Mumbai,તા.23
રોમાન્ટિક ફિલ્મ સનમ તેરી કસમને આ વર્ષનાં આરંભે થિયેટરોમાં ફરી રજૂ કરવામાં આવી ત્યારે દુનિયાભરમાં 50 કરોડથી વધુની કમાણી કરીને સૌને ચોંકાવી દીધાં હતાં. અત્યાર અગાઉ યે જવાની હૈ દીવાનીની ફરી રજૂ થયેલી ફિલ્મે જાન્યુઆરીમાં દુનિયાભરમાં 25 કરોડની કમાણી કરી હતી.
જ્યારે એ સમયગાળામાં અન્ય ફિલ્મો ખાસ કમાલ દેખાડી રહી નહોતી. દેખીતી રીતે જ રોમેન્ટિક ફિલ્મોનું આકર્ષણ હજી પણ દર્શકોને સિનેમા તરફ ખેંચવાની શક્તિ ધરાવે છે.
તાજેતરમાં જ રિલીઝ થયેલી નવી કાસ્ટ ફિલ્મ સૈયારાએ બતાવી દીધું હતું કે રોમેન્ટિક ફિલ્મોનાં ચાહકો આજે પણ ઓછા નથી. આ ફિલ્મે રિલીઝના પહેલાં ચાર દિવસમાં જ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરીને સૌને ચોંકાવી દીધાં છે.
ઘણી લવ સ્ટોરી ફિલ્મો આવવાની છે
સૈયારા બાદ બોક્સ ઓફિસ પર રોમાન્ટિક ફિલ્મોની ધૂમ મચાવવાની છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહન્વી કપૂરની પરમ સુંદરીથી લઈને ટૂંક સમયમાં રિલીઝ થનારી ધડક 2નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સની સંસ્કારીની તુલસી કુમારીમાં વરુણ ધવન અને જાન્હવીની જોડી વિપરીત પ્રકૃતિ ધરાવતાં પ્રેમીઓની કથા રજૂ કરશે. કાર્તિક આર્યન અને શ્રીલીલાની અનટાઇટલ્ડ ફિલ્મને આશિકીની સિક્વલ માનવામાં આવી રહી છે, તો હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવા એક દીવાના કી દીવાનીયતમાં પ્રેમની મર્યાદા ઓળંગતા જોવા મળશે.
આવતા વર્ષે રિલીઝ થનારી સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ત્રિપુટી અલગ અંદાજમાં જોવા મળશે, તો પુલકિત સમ્રાટ અને ઇસાબેલ કૈફ (કેટરિના કૈફની બહેન) પણ એક લવ સ્ટોરી ફિલ્મમાં જોવા મળશે.
આ તમામ ફિલ્મોને જોતાં લાગે છે કે ફરી એક વાર બોલિવૂડમાં પ્રેમની કહાની કહેતી ફિલ્મોનો મેળો જામવાનો છે. પરંતુ મોટો સવાલ એ છે કે, શું આ વાર્તાઓ ફરીથી એ જ જૂના રોમાન્સનો જાદુ બોક્સ ઓફિસ પર પાછો આપી શકશે.
રોમાન્સ અદૃશ્ય થઈ ગયો હતો
હિંદી સિનેમામાં છેલ્લાં સો વર્ષોમાં પ્રેમકથાઓ હંમેશાં તેની કરોડરજ્જુ રહી છે. મુગલ-એ-આઝમ હોય કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે હોય, રોકસ્ટાર હોય કે પછી તાજેતરની સૈયારા હોય, દર્શકોએ લવ સ્ટોરીઝ સાથે રોમેન્ટિકવાદનાં સપનાં જોયાં છે. પરંતુ છેલ્લાં થોડાં વરસોમાં એક્શન, રિયાલિસ્ટિક અને હોરર-કોમેડી સિનેમા આગળ રહ્યું છે.
જાણીતાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું માનવું છે કે લવ સ્ટોરીઝની વાપસી જરૂરી હતી. “લવ સ્ટોરીઝના યુગને પાછો લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, ફિલ્મોમાં પ્રેમનો કોઈ ખૂણો હોય છે, પરંતુ હું એક હાર્ડકોર લવ સ્ટોરીની વાત કરી રહ્યો છું. વચ્ચેનાં વર્ષોમાં હિન્દી સિનેમામાંથી રોમાન્સ જાણે ગાયબ થઈ ગયો હોય એવું લાગતું હતું.
આ સમય દરમિયાન એક્શન, બાયોગ્રાફીક, સ્પેસિફિક ઇશ્યૂ કે ઐતિહાસિક ફિલ્મોનો દબદબો રહ્યો હતો. પરંતુ આવી ફિલ્મોમાં રોમાન્સ અને સંગીતની અવગણના કરવામાં આવે છે.
જ્યારે લવ સ્ટોરી આવે છે, ત્યારે તે માત્ર નવા ચહેરાઓ જ નથી લાવતી, પરંતુ તેમાં યાદગાર સંગીતનો અવકાશ પણ હોય છે. ત્યારે જો હીરો-હિરોઇનનો એ પ્રેમ દર્શકોનાં દિલમાં જાય તો માત્ર બોક્સ ઓફિસ જ નહીં, ફિલ્મમેકરને પણ પ્રોત્સાહન મળે છે. ઘણી વખત આવી ફિલ્મો ટ્રેન્ડ સેટર પણ સાબિત થાય છે. ’
નવા ચહેરાઓ માટે દરવાજા ખુલશે
સિનેમામાં નવા ચહેરાઓને લોન્ચ કરવા માટે લવ સ્ટોરીઝને હંમેશાં સૌથી યોગ્ય માનવામાં આવે છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહતા કહે છે, “લવ સ્ટોરીઝનો જમાનો પાછો આવશે એ કહેવું ભલે મુશ્કેલ હોય, પરંતુ મેકર્સ હવે નવા ચહેરાઓ સાથે એક્સપેરિમેન્ટ કરતાં ડરશે નહીં એ નક્કી છે.”
આ દરમિયાન નિર્માતાઓ નવા ચહેરાઓ પર દાવ લગાવવામાં ખચકાટ અનુભવતા હતાં. તેમને લાગ્યું કે તેઓ બોક્સ ઓફિસ પર પૈસા પાછા મેળવી શકશે નહીં. જ્યારે નવા ચહેરાઓમાં અલગ જ નિર્દોષતા અને તાજગી જોવા મળે છે.
જાને તુયા જાને ના ફેમ ફિલ્મમેકર અબ્બાસ ટાયરવાલા કહે છે, “જ્યારે 70ના દાયકામાં એંગ્રી યંગ મેન આવ્યો ત્યારે અમિતાભ બચ્ચને બેરોજગાર સામાન્ય માણસને પડદા પર બતાવ્યો હતો.
જ્યારે દેશભક્તિની ફિલ્મો બને છે, ત્યારે હીરો દેશ માટે લડે છે. પરંતુ જ્યારે લવ સ્ટોરીઝ બને છે ત્યારે તે પોતાની ઓળખ, વર્ગ, ધર્મ, પરિવાર અને સમાજ સામે પોતાનાં માટે લડે છે. આ લડાઈ દર્શકોનાં દિલને સ્પર્શે છે.