New Delhi,તા.24
દેશમાં અંદાજે 65 વર્ષ બાદ આવકવેરાના નવા કાનૂનના અમલની તૈયારી છે અને હાલ સંસદ સમક્ષ તે મંજૂરી માટે મુકવામાં આવ્યો છે. આઈટી એકટ 1961નું સ્થાન હવે આઈટી એકટ 2025 લઈ લેશે અને તે દેશના બદલાતા જતા આર્થિક અને નાણાકીય વ્યવહારોનું પ્રતિબિંબ પણ પાડશે સૌથી મહત્વનું એ છે કે ભારત એ વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટી અર્થતંત્ર બન્યું છે.
ત્યારે દેશમાં પ્રમાણીક કરદાતાઓને સરળતાથી આવકવેરા સબંધી કામકાજમાં સુવિધા રહે અને કરચોરો માટે મુશ્કેલી ઉભી થાય તે નવા આવકવેરા કાનૂનમાં જોવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસના ચેરમેન રવિ અગ્રવાલે એક મુલાકાતમાં જણાવ્યું કે આવકવેરા વિભાગ પાસે 6.5 અબજથી વધુ ડીજીટલ વ્યવહારોની માહિતી છે.
એટલુ જ નહીં વિદેશોથી પણ જાણકારી મળી રહી છે અને તેથી કરચોરી કરનારા માટે સૌથી મુશ્કેલ સમય આવ્યો છે. આવકવેરા વિભાગ ડેટા અને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરીને અત્યંત સરળતાથી ટેકસ ચોરી પકડી પડશે.
તેમણે ડીજીટલ રેકોર્ડ અંગે ટેકસ અધિકારીઓની કામગીરી અંગે અત્યંત સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે આ અધિકાર ફકત સર્ચ અને જપ્તી પૂરતા જ મર્યાદીત રાખવામાં આવ્યા છે અને તે પણ એ સમયે કરાશે કે જયારે કરદાતા તે માહિતી આપવાનો ઈન્કાર કરશે.
આવકવેરા વિભાગ કોઈ કરદાતાની જાસૂસી કરવા કે તેની વ્યકિતગત માહિતીમાં રસ ધરાવતો નથી તેમણે એ પણ કહ્યું કે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો નવો તબકકા ઝડપી હશે અને તેનાથી આવકવેરા વિભાગને રીપોર્ટીંગ અને ડેટા પણ ઝડપથી મળશે.
તેમણે કહ્યું કે, આવકવેરા વિભાગ કરદાતાને ખુદને તેની નાણાકીય લેવડ દેવડની માહિતી આપે છે જેથી લોકો ટેકસ ભરવામાં વધુને વધુ આગળ આવી રહ્યા છે અને 1.10 કરોડ અપડેટેડ રીટર્ન ફાઈલ થયા છે અને રૂા.11 હજાર કરોડથી વધુનો ટેકસ મળ્યો છે.
તેમણે કહ્યું કે, હાલમાં જ આ અંગે અભિયાન ચલાવાયુ તેના કારણે રૂા.963 કરોડના જે ટેકસ કપાસના દાવા કરવામાં આવ્યા હતા તે પરત ખેંચાયા હતા અને 1 એપ્રીલ 2023થી 18 જુન 2025 સુધીમાં રૂા.409.50 કરોડનો વધારાનો ટેકસ જમા થયો છે અને નવેમ્બર 2024થી 31 માર્ચ 2025 સુધીમાં 30161 કરદાતાઓએ રૂા.29208 કરોડની તેની વિદેશી સંપતિ અને રૂા.1089 કરોડની વિદેશી આવક પણ જાહેર કરી છે. તેમણે કહ્યું કે દેશમાં દરેક પ્રકારના નાણાકીય વ્યવહારો પર આવકવેરાની નજર છે અમે વધુને વધુ ડીજીટલ બની રહ્યા છીએ.