Surendaranagar, તા.24
લીંબડી સસ્તા અનાજના દુકાનદારોએ ઘંટી ચાલકની કનડગતથી કંટાળીને મામલતદારને આવેદન આપ્યું છે. ઘંટી ચાલક ખોટી અરજી કરવાની ધમકી આપી મફતમાં ઘઉં, ચોખા માંગતો હોવાની રાવ કરાઈ છે. ઘંટી ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.
લીંબડી સસ્તા અનાજના પરવાનેદારોએ શહેરના ગ્રીનચોકમાં અનાજ દળવાની ઘંટી ચલાવતા દિલાવરસિંહ(નાનભા) જાદવની કનડગતથી કંટાળીને મામલતદારને આવેદન આપ્યું છે. સસ્તા અનાજના દુકાનદારોએ આવેદનમાં જણાવ્યું હતું કે અનાજ દળવાની ઘંટી ચાલક નાનભા જાદવ જુગારની લતે ચઢેલો મોટો જુગારી છે.
નાનભા અમારી રેશનિંગની દુકાને આવી સરકારી કચેરીઓમાં અમારા વિરુદ્ધ અરજી કરવાની ધમકી આપી મફતમાં ઘઉં અને ચોખાના કટ્ટા માંગે છે. અમે તેમના વશમાં ન થઈ તો અમારી સામે ખોટી અરજી કરે છે. થોડા દિવસો પહેલાં અમારા 4 દુકાનદાર સામે તેને ખોટી અરજી કરી હતી.
અધિકારીઓએ તપાસ કરી તેમાં અમે કોઈએ ગેરરીતિ કરી હોય તેવું સાબિત થયું નથી. સસ્તા અનાજના પરવાનેદારો સામે ખોટી અરજી કરી હેરાન કરતાં ઘંટી ચાલક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ અંગે ઘંટી ચાલક નાનભા જાદવે જણાવ્યું હતું કે રેશનિંગના દુકાનદારો ખોટા છે. મેં અમની પાસે ક્યારેય મફતમાં ઘઉં, ચોખાના કટ્ટા માંગ્યા નથી. તેઓ ગરીબોને મળતું અનાજ વેચી મારે છે.
કેટલાય રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી બાકીનું વધેલું અનાજ વેચી દે છે એના પુરાવા મારી પાસે છે. આવનારા દિવસોમાં હું જે રાશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપે તેમને સામે લાવી સસ્તા અનાજના પરવાનેદારોનો ભાંડો ફોડી નાંખીશ.