Rajkot, તા.24
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આ વર્ષે ભારે નિયમોને થોડા હળવા કરી પરંપરાગત અને લોકપ્રિય રાઇડસ સાથેનો લોકમેળો યોજવાની મંજૂરી મળી ગઇ છે. ધંધાર્થીઓ દ્વારા ફોર્મ ભરવાનું શરૂ કરી દેવાયું છે ત્યારે ખાનગી મેળાના આયોજકો હજુ એસઓપીને લઇને દ્વિધામાં હોવાનું માનવામાં આવે છે. મનપા દ્વારા દર વર્ષે ખાનગી મેળા માટે ત્રણ મેદાન ભાડે આપવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે. આ વખતના ટેન્ડરમાં એકેય આયોજકોએ ફોર્મ ન ભરતા ફરી નવી મુદ્દત આપવા નિર્ણય લેવાઇ રહ્યો છે.
ત્રણ મેદાન વચ્ચે તા.21ની મુદ્દત સુધીમાં માત્ર એક કવર આવ્યું હતું અને તે પણ કોરા કાગળ સાથેનું હોય, નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરીને ઓફર મંગાવવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
શહેરમાં જન્માષ્ટમી દરમિયાન રેસકોર્સ ખાતે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો યોજાય છે અને સાથો સાથ શહેરમાં અલગ અલગ સ્થળે ખાનગી મેળાના પણ આયોજન થતાં હોય છે. જેના માટે મહાનગરપાલિકા પોતાની માલીકીના અલગ અલગ પ્લોટ મેળા માટે ભાડેથી આપે છે. ગત વર્ષે વરસાદ અને અગ્નિકાંડની ઘટનાના પગલે આવા કોઇ આયોજન થઇ શકયા ન હતા.
જેથી આ વર્ષે પણ મનપા ત્રણ પ્લોટ નિયત કરેલ ભાડુ વસુલી ખાનગી મેળાના સંચાલકોને ભાડેથી આપવા ટેન્ડર બહાર પડયા હતા. પરંતુ આ વખતે ત્રણેય મેદાન માટે મેળાના સંચાલકોને સરકારની એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આ મુજબનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
ન્યુ રાજકોટમાં નાના મવા સર્કલ કોર્નર પેટ્રોલપંપની બાજુમાં આવેલ ટીપીનો પ્લોટ જેનું ક્ષેત્રફળ 9438 ચો.મી. છે. જે પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા. 5 લેખે તથા સાધુવાસવાણી રોડ રાજ પેલેસ સામે આવેલ ટીપીનો પ્લોટ ક્ષેત્રફળ 5388 ચો.મી. પ્રતિ ચો.મી. રૂા. 5 પ્રતિ દિન ભાડુ વસુલી અને અમિન માર્ગ કોર્નર ઝેડબ્લુની સામે આવેલ ટીપી પ્લોટ ક્ષેત્રફળ 4669 ચો.મી. પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા. 5ના ભાડા લેખે મેળાના સંચાલકોને આપવા ઓફર મંગાવવામાં આવી હતી.
હવે આ વર્ષે રાજકોટનો પ્રખ્યાત લોકમેળો એસઓપીના કારણે યોજાવા પર સંકટ સર્જાયુ હતું. એક તબકકે નિયમ મુજબ રાઇડસના ફાઉન્ડેશન ન થાય તો મંજૂરી ન આપવા કલેકટર તંત્રએ સ્પષ્ટ વાત કરતા રાઇડસના બદલે અન્ય કાર્યક્રમો સાથે મેળો યોજવા વિચારણા શરૂ થઇ ગઇ હતી.
આ દરમ્યાન ધંધાર્થીઓની રજુઆત અને લોકોની લાગણી ધ્યાને લઇ ચૂંટાયેલા લોકોને સરકારને રજુઆત કરી હતી. આથી રાઇડસ માટે હંગામી ફાઉન્ડેશન, સોઇલ ટેસ્ટીંગ કરાવીને મંજૂરી આપવા અંગે કલેકટર તથા પોલીસ કમિશનરને સત્તા આપવામાં આવી છે. આ કારણે આ વખતનો મેળો લોકપ્રિય રાઇડસ સાથે યોજાશે તે સ્પષ્ટ બન્યું છે.
બીજી તરફ કોર્પોરેશનના ત્રણે મેદાનમાં મેળો યોજવા હજુ ખાનગી આયોજકો સ્પષ્ટ બની શકયા નથી. કોઇ આયોજકે ફોર્મ ભર્યુ નથી માત્ર એક અરજદારે કવર મોકલ્યુ હતું અને તે પણ ખાલી હોવાથી કોઇ ઓફર માન્ય થઇ નથી. હવે ફરી ટુંકી મુદતનું ટેન્ડર બહાર પાડીને ઓફરની રાહ જોવા નકકી કરાયું છે. એસઓપી મામલે હજુ ઘણા ધંધાર્થી વિચારમાં પડેલા છે. હજુ થોડીક સ્પષ્ટતા થાય તે બાદ ફોર્મ ભરવામાં આવશે તેમ અમુક ધંધાર્થીએ જણાવ્યું હતું.

