Girsomnath,તા.૨૪
ગીર સોમનાથના તાલાલા પોલીસ મથકમાં અમરેલી ભાજપ નેતા સામે સુરતની મોડલ અને પરિણીતાએ દુષ્કર્મ અંગેની અરજી કરી છે. બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે સુરતની પરિણીતાએ દુષ્કર્મની કર્યાની ફરિયાદ અંગેની અરજી કરી છે. આ પરિણીતાએ તાલાલાના બોરવાવના એક રિસોર્ટના રૂમમાં કોલ્ડડ્રિન્કમાં કાંઇ ઉમેરીને દુષ્કર્મ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે પરિણીતાએ જણાવ્યુ છે કે, પ્રદીપ ભાખરે કેફી પીણામાં કંઈક પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યુ હતુ. જ્યારે ભાનમાં આવી ત્યારે શરીર પર કોઈ કપડું ન હતું. આ ઉપરાંત યુવતીને ડ્રગ્સના કેસમાં પણ ફસાવીને બે મહિના જેલ કરાવી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ યુવતીએ પોતાની આપવીતિમાં અનેક મોટા આરોપ લગાવ્યા છે. જેમાં તેણે જણાવ્યુ છે કે, “તાલાલાના બોરવાવના એક રિસોર્ટના રૂમમાં કોલ્ડડ્રિન્કમાં કાંઇ ઉમેરીને દુષ્કર્મ કર્યુ. દુષ્કર્મ દરમિયાન મારો ફોટો અને વીડિયો પણ ઉતારવામાં આવ્યા હતા. જેને વાયરલ કરવાની ધમકી આપીને તે સમયે મને ચૂપ કરાવી દીધી હતી. અમે તાલાલા પોલીસમાં થોડા દિવસ પહેલા પોસ્ટ મારફતે અરજી મોકલી હતી પરંતુ પોલીસે તે અરજી પર ધ્યાન આપ્યું ન હતુ જેના કારણે અમારે સુરતથી તાલાલા આવવું પડ્યું છે.”
આ સાથે તેણે વધુમાં જણાવ્યુ કે, “હું મોડલિંગનું કામ કરું છે અને એડનું કામ કરું છું. બોરવાવના એક રિસોર્ટની એડ માટે હું અને મારા પતિ આવ્યા હતા. તે સમયે પ્રદીપ ભાખર મારા પતિના મિત્ર હતા. પ્રદીપ ભાખરને ખબર પડતા તે પણ અમને મળવા આવી ગયા હતા. જે બાદ અમે સાથે જમ્યા અને પછી ગાર્ડનમાં બેઠા પણ હતા. જે બાદ મારા પતિના ફોન પર એમના અન્ય મિત્રનો ફોન આવે છે અને તે બહાર જતા રહે છે. જેથી હું રૂમમાં જતી રહું છું.”
પરિણીતાએ આગળ જણાવ્યુ કે, “જે બાદ પ્રદીપ ભાખરે મને કહ્યુ કે, તમારી સાથે મોડલિંગ અંગે વાત કરવાની છે એટલે મેં એમને રૂમમાં બોલાવ્યા. તેમના હાથમાં એક કોલ્ડડ્રિંકની બોટલ હોય છે જે મને આપે છે. જેની ૧૫ મિનિટ પછી મારું માથુ ફરવા લાગ્યું અને હું બેભાન થઈ ગઇ. મારી આંખ ખુલી તો મારા શરીર પર એક કપડું ન હતુ તેને જ્યારે મેં પૂછયું કે, શું કર્યું ત્યારે તેણે મને કહ્યું કે મોડલિંગમાં બધુ ચાલતું હોય. જો તું કોઈને કહીશ તો તારા ફોટા અને વીડિયો મારી પાસે છે તે હું જાહેર કરી દઈશ અને તને બદનામ કરી દઈશ. એટલે હું ચૂપ થઈ ગઈ.”
આ સાથે પરિણીતાએ જણાવ્યુ છે કે, “આટલાથી આને સંતોષ નથી થયો તો હું બે મહિના એનડીપીએસના કેસમાં જેલમાં રહીને આવી છું. આ લોકોએ મને ફસાવી હતી. હું જેમ જેલમાં જઈને આવી છું તેમ આ લોકો પણ જેલમાં જાય તેવી જ માંગણી છે.”