New Delhi તા.25
દેશમાં હવે આજથી શરૂ થયેલા શ્રાવણ માસના પગલે આગામી છ માસ સુધી તહેવારોની મૌસમ રહેશે અને દિવાળી બાદ ખરીફ પાક પણ મારકેટમાં આવતા ગ્રામીણ અર્થતંત્રને એક નવો વેગ મળશે તે સંકેત છે. તે સમયે દેશમાં બેંકો અને સામાન્ય લોકો પાસે રોકડની જે પરિસ્થિતિ છે તે માર્કેટ માટે પ્રોત્સાહક હોવાના સંકેત છે અને તેને કારણે તહેવારોમાં વ્યાપાર ઉદ્યોગ માટે સારો સમય નજીક હોવાનો આશાવાદ બની રહ્યો છે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ બેંકો પાસે ધીરાણ માટે વધુ નાણા પણ કેશ રીઝર્વ રેસીયો ઘટાડીને આપ્યા છે તો બીજી તરફ બેંકોની થાપણોને વ્યાજદરમાં ઘટાડા છતા તેટલી બ્રેક લાગી નથી જેના કારણે હાલ ભારતીય બેંકો પાસે કેશ ઓન હેન્ડ ડબલ એટલે કે રૂા.3.79 લાખ કરોડના સ્તરે પહોંચી છે.
જયારે લોકો પાસે રોકડ જે સામાન્ય રીતે રૂા.31000 કરોડ અને તેની આસપાસ હોય છે તે વધીને રૂા.91000 કરોડ નોંધાઈ હોવાનો રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાનો રીપોર્ટ કહે છે. આ ઉપરાંત સરકારે જે રીતે આવકવેરા સહિતની મર્યાદા વધારી છે તેના કારણે લોકો પાસે ટેકસના નાણા બચ્યા છે.
તેણે પણ સ્થિતિમાં સુધારો કર્યો છે. આરબીઆઈ દ્વારા લીકવીડીટી ટકાવી રાખવા માટે હાલમાં જ માર્કેટમાંથી રોકડ ઉપાડવામાં આવી હતી. અને બેંકોને પણ તેના નાણા આરબીઆઈ પાર્ક કરવા ખાસ પ્રોત્સાહન અપાયું હતું. સરકારે જે રીતે આવકવેરામાં છૂટછાટ આપી છે તેના કારણે રૂા.1 લાખ કરોડ જેવી રોકડ કરદાતાના હાથમાં રહી છે અને વ્યાજદર ઘટતા હવે ધીરાણ પણ સસ્તા થયા છે.
જેના કારણે શહેરી ક્ષેત્રોમાં લોકો ખર્ચી શકે તેવી આવકમાં 0.6 ટકાનો વધારો થયો છે. જો કે તે તમામ ખર્ચમાં પલ્ટાઈ તેવી શકયતા ઓછી છે ખાસ કરીને ભારતમાં ઘરેલુ બચત તે 18 ટકાના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે અને તેથી લોકો ફરી બચત વધારવા પ્રયત્ન કરશે.
પરંતુ ખરીફ પાકના આગમન સાથે ગ્રામ્ય ઈકોનોમીમાં પણ નવી આવક ઉમેરાશે. સરકાર પણ લોકોના હાથમાં વધુ પૈસા હાથમાં રહે તે જોઈ રહી છે જેના કારણે માર્કેટ હવે લોકો ખર્ચ કરે તેની રાહ જુવે છે.
દેશમાં તહેવારોની મૌસમ આવતા જ ક્ન્ઝયુમર ગુડસ કંપનીઓને પણ હવે બજારમાં ખરીદીની આશા છે ખાસ કરીને એપ્રિલ-જુન માસનો ગાળો એ શહેરી ક્ષેત્રોમાં માંગની દ્દષ્ટિએ સુસ્ત અથવા તો સ્થિર રહી હતી. જયારે હવે લોકો તહેવારોના મૌસમમાં ઓગષ્ટ માસથી ખરીદી શરૂ કરશે તેવું હવે આ કંપનીઓ પણ આશા રાખે છે.
ઓગષ્ટના મધ્યથી બજાર ઉંચકાશે તેવી શકયતા છે. ચોમાસુ દેશભરમાં સક્રિય છે અને સ્કૂલો વગેરે પણ શરૂ થઈ ગઈ છે. આમ શૈક્ષણિક ખર્ચ પણ લોકોએ પુરો કરી લીધો છે અને તેથી હવે તહેવારોમાં લોકો માર્કેટમાં આવશે તેવું માનવામાં આવે છે. ખાસ કરીને લોકોએ જે ખરીદી મુલત્વ રાખી હોય તેના પર જશે તેવું માનવામાં આવે છે.