Bhuj,તા.25
નશાબંધીનો કાયદો ધરાવતાં ગુજરાતમાં દારૂ-માદક પદાર્થો સામે રાજય સરકારની આકરી નીતીનો કડકાઈથી અમલ કરાવવામાં આવી રહ્યો છે. અને તેને પગલે છેલ્લા ચારેક વર્ષમાં કરોડો-અબજોના નશાનાં કારોબારનો પર્દાફાશ થયો છે. અબજોનું ડ્રગ્સ જપ્ત કરાયું છે હવે આ ડ્રગ્સનો નાશ કરીને નશામુકત ગુજરાતનો નવો ઐતિહાસીક અધ્યાય આલેખવામાં આવ્યો હતો.
ગુજરાતમાંથી છેલ્લા થોડા સમયમાં પકડાયેલા 870 કરોડની કિંમતનાં 391.625 કિલો માદક દ્રવ્યો તથા 8986.2 લીટર માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો ખુદ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કચ્છનાં ભચાઊ ખાતે આ પ્રક્રિયા કરવામાં આવી હતી.
આજે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કચ્છની ધરતી પર એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું હતું. જ્યાં ગુજરાત પોલીસે જપ્ત કરવામાં આવેલ અંદાજિત રૂ.870 કરોડના નાર્કોટિક્સનો નાશ કરીને નશામુક્ત ગુજરાતનો સંદેશ વિશ્ર્વ સુધી પહોંચાડ્યો હતો.
ભચાઉના લાકડિયા ખાતે, સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ્સના ઇન્સિનરેટરમાં 391.625 કિલો ગાંજો, કોકેઈન, ચરસ અને મેફેડ્રોન જેવા નશીલા પદાર્થો અને 8986.2 લિટર માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યા હતો.
આ કાર્યવાહીથી માત્ર ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં નથી આવ્યો, પરંતુ નશામુક્ત ગુજરાતના નિર્માણનો નક્કર પાયો તૈયાર થયો છે. આ નવા ગુજરાતની શરૂઆત છે, જ્યાં નશો નહીં હોય, યુવાનો ઉજ્જવળ ભવિષ્ય હશે. તેવુ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આ તકે જાહેર કર્યું હતું. ખુદ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આ નશાકારક-માદક દ્રવ્યો ભઠ્ઠીમાં નાખીને તેનો નાશ કર્યો હતો.