New Delhi, તા. 4
દિલ્હીની કોર્ટે મહિલા પહેલવાનો દ્વારા કરવામાં આવેલાં જાતીય સતામણીના કેસમાં ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કરીને મોટી રાહત આપી છે.
મહિલા પહેલવાનોના લાંબા વિરોધ પ્રદર્શન અને કાનૂની લડાઈ બાદ કોર્ટનો આ ચુકાદો આવ્યો છે. ઉત્તર પ્રદેશનાં કૈસરગંજથી 6 વખત સાંસદ રહી ચૂકેલાં બ્રિજભૂષણ સિંહ પોતાનાં રાજકીય વર્ચસ્વ ઉપરાંત ભવ્ય અને રોયલ લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતાં છે.
ચૂંટણી એફિડેવિટમાં અને પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિજભૂષણ સિંહ અને તેમની પત્ની પાસે કરોડો રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે. તેમની પાસે કૃષિ જમીન, બિન-કૃષિ જમીન, કોમર્શિયલ બિલ્ડિંગ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ શામેલ છે.
તેઓ ખાસ કરીને લક્ઝરી વાહનો અને હેલિકોપ્ટરના શોખીન છે. તેમની પાસે 3 હેલિકોપ્ટર છે, જેમાં વર્ષ 2025માં ખરીદાયેલું રૂ. 7 થી 8 કરોડની કિંમતનું ભગવા રંગનું છ-66 મોડેલનું હેલિકોપ્ટર પણ શામેલ છે.
આ ઉપરાંત, તેમનાં કાફલામાં એન્ડેવર, સ્કોર્પિયો, લેન્ડ રોવર ડિફેન્ડર, ટોયોટા અને ફોચ્ર્યુનર જેવી આલીશાન ગાડીઓ છે. બ્રિજભૂષણ સિંહ ઘોડા, ગૌસેવા અને હથિયારોના પણ ભારે શોખીન છે. તેમનાં નિવાસસ્થાને અસ્તબલ અને ગૌશાળા આવેલી છે.
તેમના જન્મદિવસ પર લંડનથી લાવવામાં આવેલો રૂ. 2.5 કરોડની કિંમતનો ઘોડો અને પંજાબનાં સમર્થક દ્વારા ભેટમાં અપાયેલો રૂ. 1.5 કરોડનો ઘોડો તેમના અસ્તબલની શોભા વધારે છે. આ સિવાય, સુરક્ષા અને શોખ માટે તેમની અને તેમની પત્નીનાં નામે પિસ્તોલ, રાઇફલ અને રેપિટર સહિત કુલ 5 લાયસન્સવાળાં હથિયારો પણ નોંધાયેલાં છે.

