Gandhinagar,તા.25
અમદાવાદમાં નવ લોકોનો ભોગ લેનારા ‘તથ્યકાંડ’ને લોકો હજુ ભુલી શકયા નથી ત્યાં આજે ગાંધીનગરમાં પુરપાટ જતા કારચાલકો લોકો-વાહનોને ઉડાવતા ચાર લોકોના મોત નિપજયા હતા અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં ભોગ બનેલા લોકોમાં એક ગોંડલના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે.
આ અકસ્માત બાદ લોકોએ કારચાલકને મારઝુડ કરી હતી અને પછી પોલીસે પહોંચીને ધરપકડ કરી હતી. રાજયના પાટનગર ગાંધીનગરમાં રાંદેસણા પાસે સીટી પ્લસ સિનેમા સામે આજે સવારે પુરપાટ ઝડપે પસાર થતી કારે રાહદારીઓ તથા વાહનોને ઠોકરે ચડાવ્યા હતા.
અચાનક જ ધડાકા સાથે GJ18 CC 7887 નંબરની કાર વાહનો-રાહદારીઓને ઝપટે ચડાવવા લાગતા નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા હતા. અન્ય બે હોસ્પીટલ પહોંચે તે પુર્વે મોતને ભેટયા હતા. અંદાજીત પાંચ લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
અકસ્માત સર્જનાર કાર ચાલક હિતેશ વિનુભાઈ પટેલ હોવાનું બહાર આવ્યુ છે અને તેના નામે જ કારનુ રજીસ્ટ્રેશન હોવાનું ખુલ્યુ છે. અકસ્માત વખતે તે ચિકકાર નશામાં હોવાનું પણ કહેવાતુ હતું. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કારચાલકને બહાર કાઢીને મારઝુડ કરી હતી.
અકસ્માતમાં ગોંડલમાં રહેતા નીતીનભાઈ પ્રતાપભાઈ વસા (ઉ.વ.63)નો સમાવેશ થાય છે. આ સિવાય હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉ.વ.56) નામની મહિલાનો પણ ભોગ લેવાયો હતો.
અન્યોની ઓળખ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. આ સિવાય કામીનીબેન બીપીન ઓઝા (ઉ.વ.65), બીપીનભાઈ ઓઝા (ઉ.વ.75) તથા મયુરભાઈ જોષી (ઉ.વ.65) ઘાયલ થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કારચાલકની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફુટેજ તથા સ્થાનિકોના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ગાંધીનગરમાં હીટ એન્ડ રનની ઘટનામાં મોતને ભેટેલા ચાર લોકોમાં એક ગોંડલના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે ગોંડલમાં રહેતા અને નિવૃતિ બાદ જમીન-મકાન બ્રોકર તથા શેરબજારનુ કામ કરતા નીતીનભાઈ પ્રતાપભાઈ વસા (ઉ.વ.63)નો પુત્ર પાર્થ ગાંધીનગરમાં સ્થાયી થયો હોવાથી છેલ્લા ત્રણેક સપ્તાહથી પત્ની સાથે પુત્ર સાથે રહેવા તથા તેને ‘સેટ’ કરી દેવા ગયા હતા.
આજે સવારે તેઓ મોર્નિંગ વોકમાં નિકળ્યા હતા ત્યારે દુર્ઘટનામાં ભોગ લેવાયો હતો. ઘટનાસ્થળે જ તેમનુ મૃત્યુ નિપજયુ હતુ. તેમને ત્રણ સંતાનમાં બે પુત્રી ચૈતાલી અને જીનલ છે અને પુત્રમાં પાર્થ છે.
બન્ને પુત્રીઓ પરિણિત છે. જયારે પુત્ર અપરિણીત છે. આ ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડયુ હતું. તેમના મૃતદેહને ગોંડલ લાવવામાં આવશે અને કાલે ગોંડલમાં જ અંતિમ સંસ્કાર કરાશે.આજરોજ ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા છે. જેમાં તેઓએ પ્રજાના પ્રવચનોને લઇ વન ટુ વન બેઠક કરી હતી. જેમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત પ્રેસ પ્રતિનીધી સાથે વાત કરતા ગાંધીનગરની ઘટના અંગે નિવેદન આપ્યું હતું.
તેઓએ ગાંધીનગર રેન્જ આઇજી અને એસપી સાથે ફોન પર વાત કરી ઘટના અંગે માહીતી મેળવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગાંધીનગરની ઘટના અંગે જાણ થતા જ રેન્જ આઇજી અને ગાંધીનગર એસપી સાથે વાત કરી હતી સાથે હોસ્પિટલમાં વાત કરી ઘાયલોની સ્થીતી અંગે માહીતી મેળવી હતી.
આ ઘટનાને ગંભીરતા પુર્વક લેવાશે અને જોઇન્ટ ટીમ બનાવી કડક કાર્યવાહી કરવાના સુચનો આપવામાં આવ્યા છે. જે વ્યકિતએ આ કાર્ય કર્યુ છે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે.