Bangkok,તા.26
થાઈલેન્ડ અને કમ્બોડીયા વચ્ચે સીમા પર લડાઈમાં વધુ 12 લોકોના મોત સાથે મોતનો આંકડો 32 ને પાર થઈ ગયો છે બન્ને દેશો વચ્ચે લડાઈને લઈને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈમરજન્સી બેઠક બોલાવી છે. યુએન અને આસીયાન દેશોએ બન્ને દેશોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
આ લડાઈથી 1.3 લાખથી વધુ લોકો સીમા પરથી પલાયન કરી ચૂકયા છે. આસીયાન આ લડાઈ મામલે મધ્યસ્થતાની કોશીશમાં છે. અમેરિકા, ચીન અને જાપાને પણ બન્ને દેશોને સંયમ અને વાતચીતથી ઉકેલ લાવવાની અપીલ કરી છે.
સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ મામલે આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. દરમ્યાન કમ્બોડીયાએ થાઈલેન્ડ પર ઉશ્કેરણી વગર હુમલા કરવા અને બૌધ્ધ મંદિરો સીમાનાં વિસ્તારોમાં હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે.
તો સામે પક્ષે થાઈલેન્ડે યુએનએસસીને પત્ર લખીને સ્પષ્ટ કર્યુ છે કે, કમ્બોડીયાએ સંઘર્ષની શરૂઆત કરી હતી. મલેશીયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહીમ હાલ આસિયાનના અઘ્યક્ષ છે. તેમણે બંને વાતચીત કરવાની અપીલ કરી મઘ્યસ્થતાની ઓફર કરી છે.
લડાઇના કારણે થાઇલેન્ડના સ્વસ્થ મંત્રાલય અનુસાર લગભગ પ8 હજાર લોકોને અસરગ્રસ્ત જીલ્લામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જયારે કમ્બોડીયાના અધિકારીઓના જણાવ્યા મુજબ ર3 હજાર લોકો ઘર છોડવા મજબુર થયા છે. બીજી બાજુ મલેશીયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહીમે જણાવ્યું હતું કે બંને દેશોએ સંઘર્ષ વિરામને સૈઘ્ધાંતીક સહમતી આપી છે.
દરમિયાન કમ્બોડીયાના અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે થાઇ સેનાએ બૌઘ્ધ મંદીરો, સ્કુલોને નીશાન બનાવી છે. થાઇ સેનાએ આરોપી નકારી કહયું હતું કે કમ્બોડીયા પોતાની તોપો નાગરીક વિસ્તારમાં છુપાવી છે.