Washingtonતા.ર6:
અમેરિકામાં ગેરકાયદે શરણાર્થીઓ પર કડક વલણ અપનાવ્યા બાદ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર યુરોપ પર છે. તેમણે યુરોપના દેશોને ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવાની સલાહ આપી છે. આ સાથે જ ટ્રમ્પે તેને ’ભયાનક આક્રમણ’ પણ કહી દીધું હતું. સ્કોટલેન્ડના એર ફોર્સ સ્ટેશન પર મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે યુરોપના દેશોને સૂચના આપતા કહ્યું કે, તમારે આ ભયાનક આક્રમણ રોકવાની સખત જરૂર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ’ગેરકાયદે ઇમિગ્રેશન પર તમારે બધાએ એકસાથે એક્શન લેવું જોઈએ. નહીંતર યુરોપ ખતમ થઈ જશે. અનેક દેશોના લોકો યુરોપમાં આવીને વસે છે. તમારે આ ભયાનક આક્રમણ રોકવું જોઈએ. અમુક લોકો આ ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવા નથી ઈચ્છતા. હું અત્યારે પણ તેનું નામ લઈ શકું છે. પરંતુ, હું કોઈને શરમમાં મૂકવા નથી ઈચ્છતો. વધતું જતું ઇમિગ્રેશન યુરોપ માટે જોખમ છે.
અમેરિકા-મેક્સિકો બોર્ડર બંધ કરવાની વાતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે, ’તમને જાણ હશે કે, છેલ્લાં મહિના બાદ કોઈ અમારા દેશમાં ઘુસી નથી શક્યું. અમે કેટલાય ગેરકાયદે ઇમિગ્રેશનને દેશની બહાર મોકલી દીધા. 2020માં આવેલા સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, યુરોપમાં લગભગ 87 મિલિયન (8 કરોડ 70 લાખ) ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ રહે છે.