New Delhi,તા.26
ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં દુરુપયોગ અટકાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC ) ના 2.5 કરોડથી વધુ યુઝર આઈડી નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.
શંકાસ્પદ બુકિંગ પેટર્ન અને નકલી યુઝર્સને ઓળખ્યા બાદ આઈડી નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. સરકારે સંસદમાં સાંસદ એ.ડી. સિંહના પ્રશ્ન પર આ માહિતી આપી છે.
આ એકાઉન્ટ્સને નિષ્ક્રિય કરવામાં આવ્યા તે પહેલાં તત્કાલ ટિકિટ બુકિંગમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણીવાર એવું જોવા મળતું હતું કે, તત્કાલ બુકિંગ વિન્ડો ખુલ્યાની થોડીવારમાં જ ટિકિટ ગાયબ થઈ જતી હતી, કારણ કે એજન્ટો બોટ્સનો ઉપયોગ કરીને બધી ટિકિટ ગાયબ કરી દેતા હતા. જેના કારણે સામાન્ય મુસાફર ટિકિટ બુક કરી શકતો ન હતો. જોકે, હવે ફેરફાર પછી રેલવે મુસાફરોને મોટી રાહત મળી છે.
સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનિયમિતતાઓને રોકવા માટે IRCTC એ તાજેતરમાં 2.5 કરોડથી વધુ યુઝર IDને નિષ્ક્રિય કર્યા છે. કારણ કે આ યુઝર ID શંકાસ્પદ જણાયા હતા. સરકારે કહ્યું કે, ભારતીય રેલ્વેએ કન્ફર્મ ટિકિટ બુકિંગ અને ડિજિટલને પ્રોત્સાહન આપવા માટે કેટલાક વધુ ફેરફારો કર્યા છે.
આરક્ષિત ટિકિટો ’પહેલા આવો પહેલા સેવા’ ના ધોરણે ઓનલાઈન અથવા કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર બુક કરી શકાય છે. જો કે, કુલ ટિકિટોમાંથી લગભગ 89% ઓનલાઈન માધ્યમ દ્વારા બુક કરવામાં આવી રહી છે.