Rajkot, તા. 26
રાજકોટ શહેરમાં પર્યાવરણનું જતન કરવા અને હવામાં પ્રદુષણનું સ્તર ઘટાડવા મહાપાલિકા દ્વારા સ્થાનિક કક્ષાથી માંડીને રાજય અને કેન્દ્ર સરકારની મદદથી અનેક પ્રયાસો કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે થયેલા એમઓયુ પરથી પર્યાવરણ જતન માટેના નવા આયોજનો પણ કરવામાં આવ્યા છે. પરંતુ મુંબઇ અને અમદાવાદ જેવા શહેરમાં લાઇફલાઇન બનેલા શહેરી પરિવહનના ક્ષેત્રમાં પણ મહાપાલિકા વધુ અસરકારક અને ભરોસોપાત્ર સેવાના પાયા મજબુત કરે તો ન માત્ર પર્યાવરણ પરંતુ શહેરીજનોને પણ સલામતી સહિતના ફાયદા થાય તેમ છે.
શહેરમાં સીટી બસ શરૂ થઇ, બંધ થઇ.. બાદ ફરીથી શરૂ થઇ હતી. વર્ષો પહેલા આ બસ અનિવાર્ય સેવા આપવાના હેતુથી ચાલુ થઇ હતી. પરંતુ હવે સીટી બસ એક મોટા વર્ગ માટે જરૂરીયાત બની છે.
સીનીયર સીટીઝનોને સીટી બસના પાસ ફ્રી કરી દેવામાં આવ્યા છે. અન્ય મુસાફરોને પણ વિદ્યાર્થીઓની જેમ પાસ મળે છે, છાત્રોને તો પ0 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. મેટોડાથી માંડી બીજા છેડે ત્રંબા સુધી, રતનપર, કોઠારીયા સુધી સીટી બસના રૂટ છે. એજયુકેશન ઝોનમાં બસ સમયસર ઉપડે અને પહોંચે છે. આ બસ સેવાનું સમયપત્રક વધુ સચોટ બને અને લોકો પણ ઘરે ઘરે થઇ ગયેલા ટુ વ્હીલરનો ઉપયોગ ઘટાડે તો પ્રદુષણ અને અકસ્માતના જોખમનો પ્રશ્ર્ન દુર થાય તેમ છે.
મ્યુનિ. કોર્પોરેશનના છેલ્લે મળેલા બોર્ડમાં અપાયેલા આંકડા મુજબ શહેરમાં ર0ર4-25ના વર્ષમાં કુલ 36પ દિવસમાં 1.63 કરોડ લોકો ટીકીટ લઇને બસમાં ફર્યા હતા. આ પૈકી એક મોટો વર્ગ તો દરરોજ સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરતો હોય છે. રાજકોટ રાજપથ લીમીટેડ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કંપની દ્વારા શહેરી બસ સેવા અંતર્ગત કુલ 84 રૂટ પર 100 સીએનજી અને 138 ઇલેકટ્રીક મળી 338 બસનું સંચાલન કરવામાં આવે છે.
2024-25ના વર્ષમાં સીટી બસમાં 9123129 અને બીઆરટીએસમાં 7194517 મળી કુલ 16317643 લોકોએ મુસાફરી કરી હતી. એટલે કે શહેરીજનોએ આટલી વખત ટીકીટ લઇને સીટી બસમાં અવરજવર કરી હતી. હાલ આ બંને બસ સેવાનો લાભ દૈનિક સરેરાશ 44706 લોકો લઇ રહ્યા છે.
થોડા સમય પહેલા ઇન્દિરા સર્કલે સીટી બસે જીવલેણ અકસ્માત કર્યો હતો. આ બાદ ડ્રાઇવરોની ભરતી કડક નિયમ હેઠળ જ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આથી અડધી બસ બંધ જેવી હાલતમાં આવી ગઇ હતી. દરમ્યાન આજની તારીખે ધીમે ધીમે 238માંથી 208 બસ રોડ પર દોડવા લાગી છે. થોડી બસના રૂટ પર હજુ ડ્રાઇવર નથી આમ છતાં રાબેતા મુજબના રૂટ પર પૂરતી સંખ્યામાં ટ્રીપ હોય, લોકોની કોઇ ફરિયાદ નથી તેવું અધિકારી સુત્રો કહે છે.
રાજકોટ શહેરનો વિસ્તાર લગભગ દર પાંચ વર્ષે વધતો આવ્યો છે. પાંચ વર્ષ અગાઉ પશ્ચિમ ઝોનના મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર સહિતના પાંચ ગામોનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સીમાડાઓ સુધી તો સીટી બસ દોડે જ છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે ચાલુ વરસાદમાં શહેરમાં અવરજવર માટે સૌથી સલામત વાહન સીટી બસ હોવાનું તમામ લોકો નજરે જુએ છે.
અમદાવાદ અને મુંબઇની સીટી બસ સેવા તો લોકો માટે અનિવાર્ય બનેલી છે. આવા શહેરોમાં બસ સેવાની સફળતાના કારણો અંગે પણ મનપા અભ્યાસ કરાવે અને રાજકોટના વધુને વધુ લોકો બસમાં અવરજવર કરે તેવા પ્રયાસો કરે તે જરૂરી છે. તેનાથી ખાનગી વાહનોના પ્રદુષણનો પ્રશ્ર્ન અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઇ શકે છે. કોર્પો.એ તો હવે ધુમાડાવાળી સીટી બસોને અલવિદા કહી દીધી છે.
હવે માત્ર ઇલે. અને સીએનજી બસ જ ચલાવવામાં આવે છે. ભવિષ્યમાં રાજકોટના રસ્તા પર વધુ 100 ઇલેકટ્રીક બસ દોડાવવા કોર્પોરેશનનું આયોજન છે. કેન્દ્ર અને રાજય સરકારના સહયોગથી મહાપાલિકા આગામી એક વર્ષમાં શહેરમાં વધુ 100 બસ ઉતારી તેનો આંકડો અઢીસો નજીક લઇ જવા માંગે છે. લોકો પણ પોતાના અને અન્ય ખાનગી વાહનોનો મોહ છોડી સીટી બસ તરફ વળે તો રસ્તાઓ પરનો ટ્રાફિક પણ ઘટે તેમ છે.
સલામતી સાથે અકસ્માતથી માંડી હેલ્મેટની ઝંઝટમાંથી પણ છુટકારો મળી શકે તેમ છે. જોકે થોડા સમય પહેલા કોર્પો.ના અધિકારીઓ અને ચૂંટાયેલા લોકો સપ્તાહમાં એક વખત સીટી બસમાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સીટી બસમાં બેસે તો અન્ય કર્મચારીઓથી માંડી કોર્પોરેટરો અને કાર્યકરો પણ સીટી બસનો ઉપયોગ કરવા પ્રેરિત થાય તેમ છે. આ દિશામાં પણ ચૂંટાયેલા લોકોએ વિચારવાની જરૂર હોવાનો મત છે.