New Delhi તા.26
ઓપરેશન સિંદૂરે સાબિત કરી દીધું છે કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને ચીન અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ રોકી નહીં શકે. હવે ભારત અને રશિયા વચ્ચે બ્રહ્મોસ 2K હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ પ્રોગ્રામને ફરી શરૂ કરવાને લઈને એક કરાર કરવામાં આવી શકે છે.
મળતી માહિતી મુજબ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન જ્યારે ભારતની મુલાકાતે આવશે, તે દરમિયાને બંને દેશો વચ્ચે મોટો કરાર થઈ શકે છે. જણાવી દઇએ કે, બ્રહ્મોસ 2-Kને હાલના બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું નેક્સ્ટ જનરેશન માનવામાં આવે છે અને તેની સ્પીડ હાઇપરસોનિક હશે. આ રશિયાના જિરકોન મિસાઇલની ટેક્નોલોજી પર આધારિત હશે.
બ્રહ્મોસ 2K માં સ્ક્રેમજેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે અને તે પોતાની સાથે પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે. એટલે કે, બ્રહ્મોસ 2K એક પરમાણુ મિસાઇલ હશે, જેની સ્પીડ 7-8 મેકની હોય શકે છે અને તેની રેન્જ 1500 કિ.મી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
બ્રહ્મોસ-2K પ્રોગ્રામને બનાવવાનો પ્રસ્તાવ આશરે 10 વર્ષ પહેલા મૂકવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટ ભારતના DRDO અને રશિયા NPO વચ્ચે જોઇન્ટ વેન્ચર છે. પરંતુ, હવે જ્યારે પાકિસ્તાન સામે બ્રહ્મોસે જબરદસ્ત સફળતા મેળવી તો હવે આ પ્રોગ્રામને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.