પાંચ મહિલા સહિત ૧૭ સામે કાર્યવાહી; સીટી એ, સીટી સી અને ધ્રોલ પોલીસે કુલ રૂ. ૭૮,૩૬૦ની રોકડ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૪
જામનગર શહેર અને જિલ્લામાં જુગારના અડ્ડાઓ સામે પોલીસે કાર્યવાહી તેજ બનાવી છે. શહેરના સાધના કોલોની, ગોકુલનગર અને ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં પાડવામાં આવેલા ત્રણ અલગ-અલગ દરોડામાં કુલ ૧૭ જુગારીઓ ઝડપાયા હતા. જેમાં પાંચ મહિલા અને ૧૨ પુરુષ આરોપીઓનો સમાવેશ થાય છે. ત્રણેય દરોડામાં પોલીસે કુલ રૂ. ૭૮,૩૬૦ની રોકડ તેમજ જુગારમાં વપરાતો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સાધના કોલોની ગેટ નં. ૧ નજીક સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી પૈસાની હારજીતનો જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે અનીલભાઈ સોમાભાઈ ચાવડા, મહમદહુસેન અબ્બાસભાઈ ખફી, સુનિલભાઈ ફેફમલ નાગદેવ, હરેશભાઈ ચોથારામ અડવાણી, રહીમ ઉર્ફે નીંઢો ઇબ્રાહીમભાઈ ખીરા, વિમલભાઈ સમજીભાઈ મંગે, ઇબ્રાહીમભાઈ ગફારભાઈ ખફી અને ઇકબાલભાઈ યૂસુફભાઈ ખફીની અટકાયત કરી હતી. તેમની પાસેથી રૂ. ૧૦,૭૫૦ની રોકડ કબજે કરવામાં આવી હતી.
બીજી તરફ શહેરના ગોકુલનગરના સોહમનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલી રહેલા ’તીન પત્તી’ના જુગારધામ પર સીટી સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે દરોડો પાડી પાંચ મહિલાઓને ઝડપી હતી. પોલીસે કાજલબેન રાજુભાઈ કેસરીયા મકવાણા, દીવાળીબેન વિજયભાઈ બાંભણીયા, દીનુબેન ભરતભાઈ મકવાણા, કાંતાબેન ટીનાભાઈ કુનેતીયા અને ઇલાબા મહિપતસિંહ જાડેજાની અટકાયત કરી તેમની પાસેથી રૂ. ૬૩,૨૦૦ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા.
જિલ્લાના ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં જાહેર શેરીમાં ’તીન પત્તી’ (રોન પોલીસ)નો જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા હતા. ધ્રોલ પોલીસે જાવીદભાઈ ઉર્ફે આરીફ ફારુકભાઈ મુલ્લા, હનીફશા રજાકશા શાહમદાર, ફારુકભાઈ નુરમામદભાઈ મુલ્લા અને સલીમભાઈ અબ્દુલભાઈ લાડકની અટકાયત કરી તેમની પાસેથી રૂ. ૪,૪૧૦ની રોકડ તથા ૫૨ ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા.

