Jamnagar તા. ૨૬,
જામનગરના રણજીત નગર વિસ્તારમાં પટેલ સમાજ સામેના હાઉસિંગ બોર્ડના ફ્લેટ એ.-૧ નજીક એક ચેઇન સ્નેચિંગ ની ઘટના સામે આવી છે, જેમાં ૭૯ વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન નાગડા ના ગળા માંથી સોનાના ચેઇનની ચીલઝડપનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં તેઓ ગળામાં ઈજા થતાં ઘાયલ થયા છે.
ઇજાગ્રસ્ત ના પરિવારજનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લક્ષ્મીબેન પોતાના ઘરના બીજા માળેથી મોડી સાંજે બહાર જવા નીકળ્યા હતા અને નીચે રોડ પર પોતાના સંબંધીના વાહનની આવવાની રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, એક અજાણ્યો ટુ-વ્હીલર ચાલક તેમની નજીક આવ્યો અને પાછળથી લક્ષ્મીબેનને પગમાં ઠોકર મારીને પાડી દીધા હતા. ત્યારબાદ ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
ચેઇન સ્નેચરે બુઝુર્ગ મહિલા ના ચેઇનના ત્રણ ટુકડા કરી દીધા હતા, અને ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, લક્ષ્મીબેને બૂમો પાડતાં અજાણ્યા શખ્સો ગભરાઈ ગયો હતો, અને ચેઇન ત્યાં જ ફેંકીને ફરાર થઈ ગયો હતો.
આ ઘટનામાં વૃદ્ધા લક્ષ્મીબેનને ગળાના ભાગે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પરિવારજનોએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે બાઇક સવાર ની શોધ ખોળ હાથ ધરી છે.