Kutch,તા.26
કચ્છ કોન્સ્ટેબલને લાંચના ગુનામાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. એસીબીની છટકા દરમિયાન લાંચની રકમ સ્વરૂપે મળેલી નોટ ચાવી જઈ કોન્સ્ટેબલે પુરાવાનો નાશ કરી દેવા પ્રયાસ કર્યો હતો પણ ભુજની ખાસ અદાલતે શુક્રવારે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેવા અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવા બદલ પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
કોર્ટે પશ્ચિમ કચ્છના વાયોર પોલીસ સ્ટેશનમાં તત્કાલીન કોન્સ્ટેબલ મયુરસિંહ સોઢાને 2020 માં એક ખેડૂત પાસેથી દારૂબંધી કાયદા હેઠળ કેસ દાખલ ન કરવાના બદલામાં 4,000 રૂપિયાની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ દોષિત ઠેરવ્યા હતા.
સોઢાએ નોટો સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી. ગભરાટમાં સોઢાએ નોટો તેના મોંમાં ભરી ચાવી નાખી હતી અને પુરાવાનો નાશ કરવાનો સ્પષ્ટ પ્રયાસ કર્યો હતો.
તપાસ અને ફોરેન્સિક પુરાવાના આધારે, એસીબીએ ભુજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં સોઢાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (૧૯૮૮, ૨૦૧૮ માં સુધારેલ) અને ભારતીય દંડ સંહિતાની અનેક જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. લાંચ અને સત્તાવાર પદના દુરુપયોગ બદલ તેમને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી સાથે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવા બદલ વધારાની કેદ અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
કોર્ટે અવલોકન કર્યું કે, જાહેર સેવક હોવા છતાં સોઢાએ માત્ર લાંચ માંગી જ નહીં પરંતુ પુરાવાનો નાશ કરવાનો પણ ભયાવહ પ્રયાસ કર્યો હતો. ચુકાદામાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, આવી ક્રિયાઓ પોલીસ દળમાં જનતાનો વિશ્વાસ ઓછો કરે છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સોઢાને 10,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને જો તે તે ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને વધારાની જેલની સજા ભોગવવી પડશે.