Mumbai,તા.28
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ વિવાદ સાથે સમાપ્ત થઈ. મેચના પાંચમા અને છેલ્લા દિવસે ભારતે શાનદાર બેટિંગ કરી અને મેચને ડ્રો કરી દીધી. જ્યારે દિવસની મેચ પૂરી થવામાં એક કલાક બાકી હતો અને ઈંગ્લેન્ડ ટીમને ખબર હતી કે હવે મેચનું પરિણામ મેળવવું અશક્ય છે, ત્યારે બેન સ્ટોક્સે ભારતીય ખેલાડીઓને હેન્ડશેક કરીને મેચ ડ્રો કરવા કહ્યું હતું. જો કે, ભારતીય બેટર રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આમ કરવાનો ઈનકાર કર્યો કારણ કે બંને સદીની નજીક હતા. આ મામલે બેન સ્ટોક્સ પર ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભડક્યા હતા. તેમણે કહ્યું કે, ‘જો તમારી સાથે આવું થયું હોત તો શું તે હેન્ડશેક કરત?
ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ અંગે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું, ‘જો કોઈ 90 રન પર રમી રહ્યું હોય અને બીજો 85 રન પર તો શું તે સદીનો હકદાર નથી? શું તે મેદાન છોડી દેશે? જો ઈંગ્લેન્ડનો કોઈ બેટર 90 કે 85 રન પર રમી રહ્યો હોય જો કોઈને તેની પહેલી ટેસ્ટ સદી ફટકારવાની તક મળે, તો શું તમે તેને પૂર્ણ કરવા દેશો નહીં? જો તે આ રીતે રમવા માંગે છે, તો આ તેમના પર નિર્ભર છે. મારી પાસે આનાથી વધુ કંઈ કહેવાનું નથી.’
ક્રિકેટ જગતમાં બેન સ્ટોક્સનો ‘હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે ગેમ પૂરી થવાના એક કલાક પહેલાં, સ્ટોક્સે ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવીને મેચ ડ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આ પ્રસ્તાવ નકારી દીધો હતો, કારણ કે બંને ખેલાડીઓ સેન્ચુરી ફટકારવાની નજીક હતા. જ્યારે જાડેજા અને સુંદર બંનેએ પોતપોતાની સેન્ચુરી પૂરી કરી, ત્યારે ભારતે મેચ ડ્રો કરવા માટે સંમતિ આપી અને બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા.
મેચની વાત કરીએ તો, ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 358 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે જો રૂટ અને બેન સ્ટોક્સની સદીઓની મદદથી 669 રન બનાવ્યા અને ભારત પર 311 રનની લીડ મેળવી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમે 0 પર 2 વિકેટ ગુમાવી દીધી. પછી એવું લાગતું હતું કે ભારત આ મેચ ઇનિંગના માર્જિનથી હારી શકે છે. પરંતુ કે.એલ. રાહુલ, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની શાનદાર ઈનિંગના આધારે આ મેચ ડ્રો થઈ હતી.
ચોથા દિવસના બે સેશન અને પાંચમા દિવસના ત્રણેય સેશન ભારતના નામે રહ્યા. ભારતીય ટીમે ચોથી ઈનિંગમાં 4 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા અને મેચ ડ્રો કરી. ભારત માટે શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે સદી ફટકારી હતી.