Mumbai,તા.28
શુભમન ગિલની કપ્તાની હેઠળ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની પસંદગી થઈ ત્યારે કોઈને અપેક્ષા નહોતી કે ટીમ આટલું સારું પ્રદર્શન કરશે. નવી ટીમ અને નવા કેપ્ટન સાથે, બુમરાહ પણ ત્રણથી વધુ ટેસ્ટ રમશે તેવી અપેક્ષા નહોતી. ભારતીય ટીમને કેટલીક ઈજાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. આ બધા પડકારો છતાં, ચાર મેચ પછી ભલે ઈંગ્લેન્ડ સીરિઝમાં 2-1 થી આગળ છે, ભારતે અદભુત રમત રમીને 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેય ન બન્યો હોય તેવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી ટીમ છે જેણે એક જ સીરિઝમાં 7 વખત 350+ રન બનાવ્યા છે. અત્યાર સુધી, ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે તેના ઘરઆંગણે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 8 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે અને આશ્ચર્યજનક વાત એ છે ફક્ત એક જ વખત ભારતીય ટીમ 350+નો સ્કોર કરવામાં નિષ્ફળ રહી છે બાકી 7 ઇનિંગમાં તેણે 350+ સ્કોર બનાવ્યો છે. અગાઉ આ સિદ્ધિ ફક્ત ઓસ્ટ્રેલિયન ટીમના નામે નોંધાઈ હતી.
1920-21માં પહેલી વાર ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં 6 વખત 350+ રન બનાવ્યા હતા. આ સીરિઝ ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 1948 અને 1989માં ઈંગ્લેન્ડની ધરતી પર આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ આ પહેલા કે પછી કોઈ પણ ટીમ સીરિઝમાં 6 વખત 350+ રનથી વધુ રન બનાવી શકી ન હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ હવે સીરિઝની છેલ્લી મેચ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
એક ટીમ દ્વારા ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ 350+ સ્કોર
7 વખત – ભારત vs ઈંગ્લેન્ડ, 2025
6 વખત – ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, 1920/21
6 વખત – ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, 1948
6 વખત – ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, 1989.