New Delhi, તા.28
વિદેશ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે, 2019થી 2024 દરમ્યાન 10,40,860 ભારતીયોએ વિદેશની નાગરિકતા મેળવવા માટે સ્વેચ્છાએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. 2024માં જ 2,06,378 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.
ભારતીયોએ અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, આઇસલેન્ડ વગેરે સહિત લગભગ 135 દેશોમાં સ્થળાંતર કરવા માટે નાગરિકતા છોડી દીધી હતી.
શું ભારત સરકાર એ હકીકતથી વાકેફ છે કે 2019થી ભારતીય નાગરિકતા છોડી દેનારા ભારતીયોની સંખ્યા વધી રહી છે એવા પ્રશ્નના જવાબમાં મોન્સૂન સત્ર 2025માં વિદેશ મંત્રાલયે ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
2019માં 1,44,017; 2020માં 85,256; 2021માં 1,63,370; 2022માં 2,25,620; 2023માં 2,16,219 અને 2024માં 2,06,378 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી હતી. 2022 બાદ નાગરિકતા – છોડનારા ભારતીયોની સંખ્યા બે લાખથી વધારે જ રહી છે.
વિદેશ મંત્રાલય દ્વારા અગાઉ શેર કરાયેલા ડેટા અનુસાર 2011થી જૂન 2023 વચ્ચે 10,75,000 ભારતીયોએ સ્વેચ્છાએ તેમના પાસપોર્ટનો ત્યાગ કર્યો હતો. અને આ ભારતીયો ઍન્ટિગા અને બાર્બુડા, આઇસલેન્ડ અને વેટિકન જેવા દેશોમાં પણ સ્થાયી થઈ રહ્યા છે. ભારતમાં હાલમાં ડ્યુઅલ સિટિઝનશિપને મંજૂરી આપતી નીતિ નથી.
વિદેશ મંત્રાલયના આંકડા જણાવે છે કે મજૂરો, વ્યાવસાયિકો અને નિષ્ણાતો સહિત આશરે 1.30 કરોડ ભારતીય નાગરિકો હાલમાં વિદેશમાં રહે છે.હેન્લી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2025 મુજબ 2025માં 3500 ભારતીય કરોડપતિઓ વિદેશમાં સ્થાયી થવાની ધારણા છે. 2023માં 5100 ભારતીય કરોડપતિઓ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયા હતા. 2024નો આ આંકડો 4300 આવવાની ધારણા છે. આમ વિદેશમાં સ્થાયી થવા માગતા ભારતીય કરોડપતિઓમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.