Jetpur તા.28
જેતપુરમાં અમરનગર રોડ પર આવેલ હાર્ડવેરની દુકાનમાં તસ્કર ત્રાટક્યો હતો અને વેપારના રૂ.40 હજારની ચોરી કરી નાસી છૂટતાં જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. ચોર સીસીટીવીમાં કેદ થયો હતો.
બનાવ અંગે જેતપુરમાં કેનાલ કાંઠે રૈયારાજ નગરમાં રહેતા ધવલ જયસુખ વેકરીયા (ઉ.વ.33) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જેતપુર અમરનગર રોડ ઉપર ધવલભાઈ ભંડેરી સાથે ભાગીદારીમાં ઓમ સ્ટીલ નામની દુકાન ચલાવે છે. આ દુકાનમાં લોખંડની ખીલાસળી, સીમેન્ટ તેમજ કલરનું વેચાણ કરે છે.
ગઇ તા.23/07/2025 ના સાંજના આઠેક વાગ્યાની આસપાસ તેઓએ દુકાન બંધ કરેલ હતી. આ વખતે દુકાનના મેઇન કાઉન્ટરના ટેબલના ત્રીજા ખાનામાં રૂ.40 હજાર વેપારના પડેલ હતા, જે રૂપીયા ઉતાવળમાં ઘરે લઈ જતા ભુલી ગયેલ હતો. બાદ ગઇ તા.24 ના સવારના તે દુકાને ગયેલ તો દુકાનના મેઈન દરવાજાનુ તાળુ નીચે પડેલ હતુ અને દરવાજાનો આગળીયાનો નકુચો તુટેલો હતો. જેથી દરવાજાના આગડીયાનો મોબાઇલમાં ફોટો પાડી દરવાજો ખોલી દુકાન અંદર પ્રવેશ કરતા દુકાનનો સામાન અસ્તવ્યસ્ત પડેલ જોવામાં આવેલ હતો.
બાદ તેઓએ દુકાનનુ મેઈન કાઉન્ટરનુ ત્રીજી ખાનુ ચેક કરતા વેપારના રૂ.40 ચાલીસ હજાર જોવામાં આવેલ નહિ જેથી દુકાનમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા જાણવા મળેલ કે, એક અજાણ્યો માણસ રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ દુકાન પાસે આવેલ અને દુકાનની બહાર જગમાં પાણી પીવે છે.
ત્યાર બાદ દુકાનના છાપરા ઉપર ચડે છે અને થોડીવાર પછી નીચે ઉતરી અને કોઇ લોખંડના ટુકડાથી દુકાનનુ તાળુ તોડી દુકાન અંદર પ્રવેશ કરી કાઉન્ટના ટેબલના ત્રીજા ખાનામાં રાખેલ રૂ.40 હજાર ચોરી કરી રાત્રીના અઢી વાગ્યાની આસપાસ બહાર નીકળી જાય છે.બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધો સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.