Jamnagar, તા.28
ખંભાળિયા વિસ્તારમાં એલસીબીની ટીમ દ્વારા હાલ શ્રાવણી જુગાર ઉપરાંત દારૂ સંદર્ભેની સધન કાર્યવાહી પી.આઈ. કે.કે ગોહિલના વડપણ હેઠળ હાથ ધરવામાં આવી છે.
આ સંદર્ભે એલસીબીની ટીમ દ્વારા શનિવારે પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામના મૂળ રહીશ અને હાલ અહીંની હાપીવાડી ખાતે રહેતા અરજણ માલદે સંધીયા નામના 24 વર્ષના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનના રસોડામાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 58,800 ની કિંમતની વિદેશી દારૂની 45 બોટલ અને એક મોબાઇલ ફોન સહિત કુલ 63,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
દારૂનો આ જથ્થો તેણે અહીંના ધરારનગર વિસ્તારમાં રહેતા ધવલ માયાણી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું ખુલતા પોલીસે આ અંગે ગુનો નોંધી, આરોપી અરજણ સંધીયાની અટકાયત કરી, ધવલ માયાણીની શોધખોળ હાથ ધરી છે.
આ દરોડાની કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ તેમજ પ્રવીણભાઈ માડમની બાતમીના આધારે કરવામાં આવી હતી.