Rajkot તા.28
રાજકોટના કાલાવડ રોડ પર અવધના ઢાળીયે આવેલી ગોલ્ડન-10 નામની બિલ્ડીંગ સાઈટ પર 19 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ગઈકાલે રાત્રે 9.30 વાગ્યા આસપાસ અવધનો ઢાળ ચડતા આગળ આવેલ ગોલ્ડન-10 નામની બાંધકામ સાઈટ પર અસ્મિતા કબુરભાઈ રાવત (ઉ.વ.19) નામની યુવતીએ નવા બનતા બિલ્ડીંગની સાઈટ પર ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા 108ની ટીમના ઈએમટી કિશનભાઈ છાયાએ સ્થળ પર પહોંચી યુવતીને મૃત જાહેર કરી હતી. યુનિવર્સિટી પોલીસને જાણ કરતા એએસઆઈ જીતુભાઈ બાળા તેમની ટીમ સાથે દોડી ગયા હતા. જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અસ્મિતા 2 બહેન 1 ભાઈમાં વચેટ હતી.
તેનો પરિવાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે રહે છે. પોતે પોતાના નાના ભાઈ રાકેશ સાથે બહેન-બનેવી સાથે અહીં બાંધકામ સાઈટની ઝુંપડીમાં રહેતી હતી. ગઈકાલે સાંજે બાંધકામ સાઈટ પર મજુરી કામ પુરૂ થયા પછી રસોઈ માટે લાકડા લેવા જાઉં છું તેમ કહી બાંધકામ સાઈટ પર જયાં લાકડા રાખ્યા હતા ત્યાં ગઈ હતી અને પગલું ભરી લીધું હતું.
ઘણો સમય થયો પણ અસ્મિતા પરત ન આવતા તેની બહેન શોધવા જતા તેણી ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી હતી. આપઘાતના કારણથી પરિવારજનો પણ અજાણ હોય, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.