New Delhi, તા. 29
યમનમાં હત્યાના કેસમાં મોતની સજાનો સામનો કરી રહેલી ભારતીય નાગરિક નિમિષા પ્રિયાને જીવતદાન મળ્યું છે. તેની મોતની સજા કરદ કરી દેવામાં આવી છે. અબુબકર મુસલિયાર અને ઓલ ઇન્ડિયા જમિયતુલ ઉલેગાના કાર્યાલયે આ જાહેરાત કરી છે. આ ઘટનાને ભારત સરકારની મોટી કૂટનીતિક જીત માનવામાં આવે છે.
જોકે હજુ સુધી યમનની વર્તમાન સરકાર દ્વારા કોઈ લેખિત પુષ્ટિ થઈ નથી. ભારતના ગ્રાન્ડ મુફ્તી તરફથી કહેવામાં આવ્યું છે કે નિમિષા પ્રિયાને અગાઉ મોતની સજા સંભળાવવામાં આવી હતી તે સંપૂર્ણપણે રદ કરી દેવાઈ છે. ગ્રાન્ડ મુફ્તી દ્વારા કહેવામાં આવ્યું છે કે યમનના પાટનગર સનામાં એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નિમિષા પ્રિયા મૂળ કેરળના પલક્કડના વતની છે. વર્ષ 2008માં તેઓ નોકરી માટે યમન ગયા હતા અને ત્યાં તેમની મુલાકાત એક સ્થાનિક નાગરિક તાલાલ અબ્દો અહેમદી સાથે થઈ હતી. યમનમાં યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થતાં નિમિષાએ તેના પતિ અને બાળકને ભારત પરત મોકલ્યા અને પોતે નર્સ તરીકે ફરજ બજાવતી રહી.
નિમિષા અને તાલાલ અબ્દો અહેમદીએ પાર્ટનરશિપમાં એક ક્લિનિકની શરૂઆત કરી. જોકે થોડા દિવસો બાદ તેણે નિમિષાનું શોષણ કરવાની શરૂઆત કરી. તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો.
વર્ષ 2017માં નિમિષાએ પોતાનો પાસપોર્ટ પરત લેવા માટે તે શખ્સને બેભાન કરવાનો પ્રયાસ કર્યો. અને પાસપોર્ટ લઈને ત્યાંથી ભાગી ગઈ. જોકે દવાના ઓવરડોઝના કારણે તે શખસનું નિધન થયું અને યમનના અધિકારીઓએ નિમિષાની ધરપકડ કરી હતી.
2018માં નિમિષાને હત્યા માટે દોષિત જાહેર કરવામાં આવી અને 2020માં યમનની કોર્ટે તેને મોતની સજા સંભળાવી. માનવાધિકાર સંગઠનો અને વિવિધ સામાજિક કાર્યકર્તાઓએ નિમિષાને બચાવવા માટે અભિયાન શરૂ કર્યું હતું.