Palestinians,તા.30
ભૂખથી બેહાલ ફિલીસ્તીનીઓ પર સોમવારે અને મંગળવારે ઈઝરાયેલે હવાઈ હુમલા અને ગોળીબારી કરી હતી. છેલ્લા 24 કલાકમાં 78 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટાભાગના ભોજનની તલાશમાં હતા.
ખાન યુનુસ, અલ મવાસી, જબાલિયા, રાફા, ગાઝા સિટીમાં થયેલા હવાઈ હુમલામાં લોકો માર્યા ગયા હતા. તેમાં એક ગર્ભવતી મહિલાનો મર્યા બાદ પ્રસવ કરાવવામાં આવ્યો હતો, જો કે નવજાત બાળકને બચાવી શકાયું નહોતું. હુમલા એવા સમયે કરાવવામાં આવ્યા, જયારે ઈઝરાયેલે 10 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી અને રાહત સામગ્રી પહોંચાડવા માટે પ્રતિબંધમાં હળવાશ કરી હતી.
જમીની સ્તરે કોઈ ફેરફાર નહીં
સંયુક્ત રાષ્ટ્ર સહાયતા એજન્સીએ કહ્યું હતું કે ઈઝરાયેલના એલાન બાદ પણ જમીની સ્તરે કોઈ ફેરફાર નહોતા થયા. મોટી વસ્તી ભૂખમરાનો શિકાર છે.
ઈઝરાયેલનો દાવો: ગાઝામાં ભૂખમરો નથી
ઈઝરાયેલી વિદેશ મંત્રી ગિદોન સાટે મંગળવારે જણાવ્યું હતું કે, ગાઝામાં ભૂખમરાની વાતો અફવા છે. સ્થિતિ કઠીન જરૂર છે. છેલ્લા બે મહિનામાં પાંચ હજાર સહાયતા ટ્રકોએ પ્રવેશ કર્યો છે. અમે એ સહાયતા સંસ્થાનો દેશોની મદદ માટે તૈયાર છીએ, જે હવાઈ માર્ગથી સહાયતા પહોંચાડે છે.
રિપોર્ટ ચોંકાવનારો
ઈન્ટીગ્રેટેડ ફુડ સિકયોરિટી ફેઝ કલાસિફિકેશનના રિપોર્ટ મુજબ અડધાથી વધુ વસ્તી ભૂખનો સામનો કરી રહી છે. 20 ટકા લોકો પાસે એક પણ દાણો નથી, દર ત્રણમાંથી એક બાળક ગંભીર કુપોષિત છે. 10 હજારમાંથી બે લોકો રોજ ભુખ અને કુપોષણથી મરી રહ્યા છે.
નરકમાં જીવી રહ્યા છે લોકો
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેની લડાઈમાં ફિલીસ્તીનના 60 હજાર નિર્દોષ લોકો માર્યા ગયા છે. આ જંગના કારણે 50 ટકા વસ્તી સુધી ભોજન નથી પહોંચી શકયું. 4.70 લાખ લોકો દુકાળનો સામનો કરી રહ્યા છે.
147 નાગરિકોના મોત હાલના સપ્તાહોમાં થયા છે. 62 હજાર મેટ્રીક ટન ખાદ્યાન્નની દર મહિને જરૂરિયાત સામે અડધું ખાદ્યાન્ન પહોંચે છે. 30 ટકા 6 મહિનાથી પાંચ વર્ષના બાળકો અતિ ગંભીર કુપોષિત છે.