Washington,તા.31
અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફ લાદવાની જાહેરાત કર્યાના કલાકોમાં જ હજુ વધુ એક ટ્રેડ મીસાઈલ દાગતા ઈરાન સાથે ક્રુડ સહિતના ઓઈલ વ્યાપારમાં જોડાયેલી ભારતની છ કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે તેના કારણે 220 મીલીયન ડોલરના સોદાઓને મોટો આંચકો લાગશે.
અમેરીકાએ અગાઉ જ ઈરાન પર ક્રુડ તેલ વેચાણ સહિતના પ્રતિબંધ મૂકયા છે જયારે હવે ઈરાનીયન ઓઈલ પ્રોડકટ ખરીદવા પર જે નિયંત્રણ લાંબા સમયથી અમેરીકી તંત્રએ લાદયા છે તેના ઉલંઘનનો આરોપ મુકીને ભારતની છ કંપનીઓને પ્રતિબંધીત કરી છે જેમાં એએલ કેમીકલ સોલ્યુશન પ્રા.લી., જે કંપની ઈરાનમાંથી 84 મીલીયન ડોલરના પેટ્રોલીયમ ઉત્પાદનો જાન્યુઆરીથી ડીસેમ્બરમાં આયાત કર્યા છે.
આ ઉપરાંત ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ કેમીકલ કે જેણે ઈરાનમાં પેટ્રો કેમીકલ કંપનીઓ હસ્તગત કરી છે તે ઉપરાંત રમણીકલાલ એસ. ગોસલીયા એન્ડ કંપની કે જે મેથેનોલ સહિતના કેમીકલ ઈરાનમાંથી મેળવે છે તેના પર આ પ્રતિબંધ લાગ્યા છે. આ તમામ છ કંપનીઓના અમેરીકા સ્થિત બેંક એકાઉન્ટ સહિતની મીલકતો ફ્રીજ કરવામાં આવશે.
તેની સાથે અમેરીકી કંપનીઓ બીઝનેશ કરશે નહીં. ભારત ઉપર ટ્રેડ પોલીસી મુદે દબાણ લાવવા આ અમેરીકાએ પ્રતિબંધ મુકયાનો સંકેત છે અને તેનાથી ભારતના વર્તનમાં હકારાત્મક વલણ આવશે તેવી અમેરીકી તંત્રએ શકયતા દર્શાવી છે.
આ ભારતીય કંપનીઓ ઈરાન ઉપરાંત યુએઈ ચાઈના ઈન્ડોનેશીયા અને તૂર્કી સાથે પણ બીઝનેસ કરે છે અને તેને પણ અસર કરશે તેવું માનવામાં આવે છે. સુત્રોના જણાવ્યા મુજબ પ્રમુખ ટ્રમ્પે જે પેનલ્ટીની ધમકી આપી છે જે પણ આ પ્રકારે અમલી બનાવી હોય તેવી શકયતા નકારાતી નથી અને આગામી દિવસોમાં રશીયા સાથે તેલ ખરીદવાના મુદે પણ વધારે પ્રતિબંધ આવી શકે છે.
અમેરીકાએ જાહેર કર્યુ છે કે, ઈરાન પોતાના પેટ્રોકેમીકલ ઉત્પાદનો વેચીને તેમાંથી મળતી આવક ત્રાસવાદી ભંડોળમાં ઉપયોગ કરે છે. ફેબ્રુઆરીમાં જ અમેરીકાએ ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ મુક્યા હતા. તે બાદનું આ બીજુ પગલુ છે.
કઈ ભારતીય કંપનીઓ પર કાર્યવાહી
► અલકેમીકલ સોલ્યુશન પ્રા.લી.: ઈરાન સાથે રૂા.700 કરોડનો સોદો
► ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ કેમીકલ લી.: ઈરાન સાથે રૂા.425 કરોડનો વ્યાપાર કરાર
► જયુપીટર ડાઈ કેમ. પ્રા.લી.: 49 મીલીયન ડોલરની આયાત
► રમણીકલાલ એસ. ગોસલીયા એન્ડ કંપની: 22 મીલીયન ડોલર પેટ્રોલ કેમીકલ ખરીદી
► પર્સીસ્ટેંટ પેટ્રોકેમ પ્રા.લી.: 14 મીલીયન ડોલરનો વ્યાપાર
► કંચન પોલીમર: 1.3 મીલીયન ડોલરની ખરીદી