New Delhi,તા.31
ભારત ટૂંક સમયમાં જ સમુદ્રની 6 કિ.મી.ની ઊંડાઈએ માનવસહિત મિશન ’સમુદ્રયાન’ મોકલશે. નવી દિલ્હીમાં મંત્રાલયનાં 19માં સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, જે રીતે ભારત ’ગગનયાન’ મિશન દ્વારા અંતરિક્ષમાં અવકાશયાત્રી મોકલવા જઈ રહ્યું છે, તેવી જ રીતે ’સમુદ્ર યાન’ મિશન ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાને સમુદ્રના ઊંડાણ સુધી લઈ જશે.
‘સમુદ્રયાન’ ભારતનું પહેલું માનવસહિત ઊંડા સમુદ્રનું મિશન છે અને 2026ના અંત સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે. આ મિશનમાં ત્રણ વૈજ્ઞાનિકોને સમુદ્રની 6000 મીટર ઊંડાઈ પર મોકલવામાં આવશે.
આ મિશન પર ચેન્નઈની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી (એનઆઈઓટી) કામ કરી રહી છે. આ મિશન માટે જે સબમરીન તૈયાર કરવામાં આવી રહી છે તેને ’મત્સ્ય 6000’ નામ આપવામાં આવ્યું છે.
સામાન્ય સબમરીનથી અલગ છે
સામાન્ય રીતે નેવીની સબમરીન, જે વિશ્વની શ્રેષ્ઠ કક્ષાની છે, તે 200 થી 400 મીટરના ઊંડાણમાં જાય છે, પરંતુ ભારતની માનવસર્જિત સબમરીન મત્સ્ય વધુ સારી ટેકનોલોજીથી બનાવવામાં આવી રહી છે. તે 6,000 મીટરની ઊંડાઈએ 72 કલાક સુધી રહી શકે છે. તે નિકલ, કોબાલ્ટ, મેંગેનીઝ વગેરેથી સમૃદ્ધ ખનિજ સંસાધનો સહિત ઘણી શોધો કરશે.
આ ઉપરાંત આટલી ઊંડાઈએ નમૂના એકત્ર કરવા માટે માનવોની હાજરીને પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. ડો.જિતેન્દ્રસિંહે 14 નવી વૈજ્ઞાનિક સેવાઓ અને ડિજિટલ ઉત્પાદનો પણ શરૂ કર્યા.
મત્સ્ય 6000 સબમરીન કેમ છે ખાસ?
♦ તેમાં 3 લોકો બેસી શકે છે, 1 પાયલટ અને 2 વૈજ્ઞાનિકોને સમાવી શકાય છે.
♦ અત્યાર સુધીમાં માત્ર 5 દેશો જ આવા સબમર્સિબલ્સ લોન્ચ કરી શક્યાં છે, જેમાં લોકો સવારી કરી શકે છે
2021 માં, સમુદ્ર મિશન શરૂ કરવામાં આવ્યું હતું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી (એનઆઇઓટી) તેના પર કામ કરી રહ્યું છે.
તે 6,000 મીટરની ઊંડાઈએ 72 કલાક સુધી રહી શકે છે. 5 ઘન મી. તેની અંદર જગ્યા મળશે, તેનું ઇન્ટિરિયર ગગનયાન ક્રુ મોડ્યુલ જેવું હશે