મહંત પદ માટે ઉઠેલા ભારે વિવાદ બાદ, તંત્રએ વચલો રસ્તો કાઢી વહીવટદાર નીમી દીધા
ભવનાથ મંદિરની નિમણૂક કલેકટરે કરવાની હોય છે, પરંતુ કલેકટર ૨૦ દિવસની રજા ઉપર જતા મામલો અટકયો
ગિરનારના અંબાજી મંદિર, દત્તાત્રેય અને ભીડભંજન મંદિર બાદ ભવનાથ મંદિરમાં પણ વહીવટદાર
Junagadh તા. ૩૧
જુનાગઢના ભવનાથ મંદિરના મહંતની આજે મુદત પૂરી થઈ છે. ત્યારે મહંતની નિમણૂકને લઈને ઉઠેલા વિવાદ બાદ તંત્ર દ્વારા કોઈપણની મહંત પદે નિમણૂક કરવાનું હાલના સંજોગોમાં ટાળી, વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીને મૂકવામાં આવ્યા છે અને પ્રાંત અધિકારીએ આજે સાંજે મંદિરનો ચાર્જ સંભાળતાની સાથે જ ભવનાથ મંદિર સરકારી વહીવટદાર હસ્તક થયું છે. તે ઉપરાંત ભવનાથ મંદિર નીચે આવતો મુસ્કુન્દ ગુફા એટલે કે મુચકુંદ મહાદેવ મંદિર, પ્રેમવતી અતિથિ ગૃહ સહિતની તમામ મિલકતો અને મંદિરો પણ વહીવટી તંત્ર દ્વારા સંભાળી લેવામાં આવ્યા છે
જુનાગઢ ભવનાથ મંદિરના મહંતની આજે તા. ૩૧ ના રોજ મુદત પૂર્ણ થઈ રહી છે. અને આ મહંતપદ માટે હાલના મહંત હરિગીરી બાપુ તથા અન્ય સંતો, મહંતો દ્વારા અરજી કરવામાં આવેલી હતી. જેમાં અમુક સંતો એ ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંત મુકવાની માંગ કરી છે. અને બે સંતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી દીધી હતી. ત્યારે ભવનાથના મહંતની નિમણૂક કલેકરને કરવાની હોય છે. પરંતુ જુનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા અગાઉ મહંત પદ બાબતે બે તત્કાલીન કલેકટર સામે આક્ષેપો થયા છે, ત્યારે તેઓ આ વિવાદથી દૂર રહેવા માંગતા હોય કે કોઈ અન્ય કારણો હોય જેને લઈને મહંતની નિમણૂક કર્યા વગર, જુનાગઢ મનપાના કમિશનરને ચાર્જ શોપીને ૨૦ દિવસની રજા ઉપર ઉતરી જતા, મંદિરના કાયમી મહંતની નિમણૂકના વિવાદ હજુ આધારતાલ લટકતો રહેવા પામ્યો છે. અને હાલમાં પ્રાંત અધિકારીએ આજે સાંજે મંદિરનો ચાર્જ સંભાળી લીધો છે.
આજથી બે વર્ષ પૂર્વે ભવનાથના મહંત પદે તત્કાલીન કલેકટરે અગાઉના મંદિરના મહંત હરિગીરી બાપુની નિમણૂકની અવધિમાં વધારો કરી, હરિગીરી બાપુને મહંત તરીકે યથાવત રાખ્યા હતા, જો કે, થોડા મહિના અગાઉ જુનાગઢ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ એ ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુ સામે ગંભીરા આક્ષેપો કર્યા હતા. તથા ભવનાથના મહંતે ભાજપના નેતાઓ અને મંત્રીઓને રૂપિયા આપ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ ભવનાથના મંદિરના મહંત સામે એક પછી એક અનેક આક્ષેપો ઉઠવા પામ્યા હતા. અને મહંત હરીગીરીને ભવનાથ મંદિરના મહંત પદ ઉપરથી ઉતારવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, તેમની મુદત આજે ૩૧ જુલાઈના રોજ પૂર્ણ થઈ છે. પરંતુ જિલ્લા કલેકટર દ્વારા કોઈ કાયમી મહંતની નિમણૂક કરવામાં આવી નથી અને હાલમાં આ મંદિરનો વહીવટ પ્રાંત અધિકારીને સોંપવામાં આવ્યો છે.
જો કે, ભવનાથ મંદિરની દાનપેટીમાં રહેલી રકમની વહીવટી તંત્ર દ્વારા મહંત હરિગીરી બાપુની હાજરીમાં બે દિવસ અગાઉ ગણતરી થઈ ગઈ હતી, ત્યારે વહીવટી તંત્ર પણ હાલના હરીગીરી મહારાજને કદાચ મહંતપદ ઉપરથી હટાવે તેવું મનાઈ રહ્યું હતું. અને મંદિરના મહંત માટે ઉઠેલા ભારે વિવાદના કારણે ગિરનાર ઉપરના અંબાજી મંદિર દત્ત શિખર ની જેમ જૂનાગઢના ભવનાથ મંદિરમાં પણ વહીવટદાર ની માયા તેવું મનાઈ રહ્યું હતું જે મુજબ આજે જુનાગઢ ભવનાથ મંદિરના મહંત તરીકે કોઈ સંતની નિમણૂક કરવામાં આવી નથી અને જુનાગઢ પ્રાંત અધિકારી એ આજે મંદિરનો વહીવટ સંભાળી લીધો છે.
અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર, બાદ ભવનાથ મંદિર પણ વહીવટદારના હવાલે
આ અગાઉ ગિરનાર ઉપર બિરાજતા માં અંબાજીના મંદિર સહિત અન્ય મંદિરના મહંત માટે પણ વિવાદ ઉઠવા પામ્યો હતો. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા અંબાજી મંદિર, ગિરનાર પરના દત્ત મંદિર અને શહેરના ભીડભંજન મહાદેવ મંદિરમાં વહીવટદાર નીમી દેવામાં આવ્યા હતા અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદ માટે પણ હાલના મહંત હરીગીરી સહિતના અનેક સંતો મહંતોએ અરજી કરી હતી. જેમાં બે સંતોએ ગુરુ શિષ્ય પરંપરા મુજબ નિમણૂક થવી જોઈએ. તેવી માંગ સાથે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે તંત્ર દ્વારા કોઈ સંતની મહંત તરીકે નિમણૂક કરવાને બદલે ભવનાથ મંદિરમાં પણ વહીવટદારની હાલના સમયે નિમણૂક કરવામાં આવી છે. અને બાદમાં કાયમી મહંત તરીકે કોઈ સંતની નિમણૂક કરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે.
તંત્રના નિર્ણયને હું આવકારું છું : હરિહર બાપુ
તંત્રના નિર્ણય બાદ મહંત હરિગીરી બાપુએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે 31 તારીખે મંદિરના મહંત પદની અવધિ પૂર્ણ થઈ રહી છે ત્યારે આજે સવારે મામલતદાર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ આવ્યા હતા અને કલેક્ટર તથા તંત્ર દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવેલ છે તેને હૃદય પૂર્વક હું આવકારું છું. અને પાલન કરું છું.
ભવનાથ મંદિર હેઠળ આવતા તમામ મંદિરો અને મિલકતો વહીવટદાર દ્વારા સંભાળી લેવામાં આવી
મંદિરના નિમાયેલા વહીવટદાર અને જૂનાગઢના ડે. કલેકટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજથી ભવનાથ મંદિર તથા તેની નીચે આવતી તમામ મિલકતો અને મંદિરો વહીવટદાર દ્વારા સંભાળી લેવામાં આવ્યા છે, જેમાં ભવનાથ મંદિર, પ્રેમગીરી અતિથિ ભવન અને મૂચકુંદ મહાદેવ મંદિર સહિતની મિલકતો અને મંદિરોનો સમાવેશ થાય છે. આ સાથે ડેપ્યુટી કલેક્ટર ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર, મુખ્યમંત્રી સહિતનાઓ દ્વારા કલેકટરને મળેલી સૂચના મુજબ, મંદિરમાં સ્વચ્છતા સહિતના મંદિરના વિકાસના કામો, શિવરાત્રીના મેળો સહિતના આયોજનો જ્યાં સુધી કાયમી મહંત નહીં નિમાય ત્યાં સુધી વહીવટદાર હસ્તક રહેશે અને યાત્રાળુ, શ્રદ્ધાળુ અને ભક્તો માટે સૂચારું વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.