લોઠડા ગામે કાન-નાક વિંધવા અને કટલેરી વેચવા આવેલા યુવક ઉપર કાનની કડી કાઢી લીધાના આક્ષેપ સાથે માર મારતા મોત નીપજ્યું હતું
Rajkot,તા.31
લોઠડા ગામે કાન-નાક વિંધવા અને કટલેરી વેચવા આવેલા યુવક ઉપર કાનની કડી કાઢી લઈ ચોરી કરી હોવાનું આળ મૂકી હત્યા કર્યાના કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ મુળ બાબરા તાલુકાના કરિયાણા (કીડી) ગામના વતની અને હાલ રાજકોટના લાપાસરી ગામની સીમમાં પરિવાર સાથે રહેતા ગોપાલ ભદુભાઈ સોલંકી નામનો યુવાન પોતાનું મોટર સાયકલ લઈ લોઠડા ગામે કાન-નાક વિંધવા અને કટલેરી વેચવા માટે ગયો હતો. યુવાન રાત્રે પરત નહીં આવતા પરિવારે ફોન મારફતે સંપર્ક સાધ્યો હતો. પરંતુ યુવકનો ફોન સ્વીચઓફ આવતો હતો. પરિવાર દ્વારા લોઠડા ગામ તરફ તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, ગોપાલ સોલંકી લોઠડા ગામે રહેતા પરબતભાઈ ભીમાભાઈ કોળીના ઘરે ગયો હતો. ત્યારે પરબતભાઈની પત્ની મંજુલાબેને કાન વીંધાવ્યા બાદ કાનની એક કડી ગાયબ હોવાની પતિને જાણ કરતા કાન નાક વીંધવા આવેલા યુવકને ગામમાંથી ગોતી કાનની કડીની ચોરીનું આળ મૂકી આરોપી પરબતભાઈ કોળી, તેનો દિકરો(બાળકિશોર), ભલાભાઈ ડાયાભાઈ બાવળીયા, સોમાભાઈ મીઠાભાઈ બાવળીયા અને રાહુલભાઈ જીતેશભાઈ સાકરીયા (રહે. લોઠડા)એ લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો અને ઈકો કારમાં અપહરણ કરી લોઠડા ગામની વીડીમાં લઈ ગયા હતાં. જ્યાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની મૃતક ગોપાલ સોલંકીના ભાઈ બચુભાઈ ભદુભાઈ સોલંકીએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી જેલ જવાલે કર્યા હતા. જે ગુનામાં સંડોવાયેલા સોમાભાઈ મીઠાભાઈ બાવળીયાએ ચાર્જશીટ પહેલા જામીન મુકત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપીને જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ યુવા એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા, મિલન પી. થોરીયામેર, રવીન એન. સોલંકી, ભરત બી. ડાકી, કુલદીપ એન.મકવાણા, લલિત કે. તોલાણી અને એકતા જે. સુદાણી રોકાયા હતા.