Washington તા.1
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત સહિત દુનિયાના 70 દેશો પર ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી દીધી છે ત્યારે અમેરિકાની ફેડરલ કોર્ટેજ ઝટકો આપ્યો હોય તેમ ટેરિફ લગાવવાની પ્રમુખની સતા પર જ સવાલ ઉઠાવ્યા છે. અમેરિકન કોંગ્રેસ (સંસદ)ની મંજુરી વિના આ નિર્ણય શંકાસ્પદ હોવાની ફેડરલ કોર્ટે ટકોર કરી છે. આ મામલે હવે સર્વોચ્ચ અદાલતમાં પહોંચી શકે છે.
અમેરિકન કોર્ટમાં 99 મીનીટ સુનાવણી ચાલી હતી. 11 જજની પેનલે વારંવાર 1977ના કાયદાના અર્થઘટન સામે સવાલ ઉઠાવ્યા હતા. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય કટોકટી વખતે જ નાણાંકીય વ્યવહારો રોકવા તથા મિલ્કતો જપ્ત કરવાના પ્રમુખને અધિકાર આપે છે. પુર્વ પ્રમુખ જીમ્મી કાર્ટર દ્વારા આ કાયદો ઘડવામાં આવ્યો હતો તેમાં ટેરિફનો કોઈ ઉલ્લેખ નથી. ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમીક પાવર એકટમાં કયાંય ‘વર્લ્ડ ટેરિફ’ વિશે પણ ઉલ્લેખ કરાયો નથી.
ટ્રમ્પ સરકાર વતી ઉપસ્થિત એટર્ની બ્રેટ સ્કુમેટે સ્વીકાર્યુ હતું કે, કોઈપણ પ્રમુખ અત્યાર સુધી કાયદાનો આવો ઉપયોગ કર્યો નથી પરંતુ દેશની જંગી વેપાર ખાધથી રાષ્ટ્રીય કટોકટી જેવી હાલતમાં આ પ્રકારના કદમ ઉઠાવવા પડી રહ્યા છે. ઈમરજન્સી જેવી હાલતમાં પ્રમુખને વ્યાપક અધિકારો કાયદામાં અપાયા છે છતાં પ્રમુખ ટ્રમ્પ સતા બહારના કોઈ નિર્ણય લેતા નથી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના મુક્તિ દિવસે જાહેર કરેલા ટેરિફ વખતે જ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. મે મહિનામાં ત્રણ જજની પેનલે ટ્રમ્પના નિર્ણયને સતા બહાર ગણાવ્યા હતા તેની સામે અપીલ થઈ હતી.