London,તા.૧
પૂર્વ લંડનમાં ૩૦ વર્ષીય બ્રિટિશ શીખ યુવાનની હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. મૃતકની ઓળખ ગુરમુખ સિંહ ઉર્ફે ગેરી તરીકે થઈ છે. ગયા અઠવાડિયે ઇલ્ફોર્ડ વિસ્તારમાં ફેલબ્રિજ રોડ પર તેની હત્યા કરવામાં આવી હતી. બ્રિટનની મેટ્રોપોલિટન પોલીસ અનુસાર, આ હત્યામાં સામેલ વ્યક્તિ અને પીડિતા એકબીજાને પહેલાથી જ જાણતા હતા. આ હત્યાના કાવતરામાં ૩ મહિલાઓ પણ સામેલ હોવાની માહિતી સામે આવી છે.
પોલીસને ૨૩ જુલાઈના રોજ ઘટનાની માહિતી મળી હતી. લંડન એમ્બ્યુલન્સ સર્વિસે પોલીસને રહેણાંક સરનામે થયેલા ઝઘડાની જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે જોયું કે ગુરમુખ સિંહ છરીથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો ન હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાના આરોપમાં ૨૭ વર્ષીય અમરદીપ સિંહની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. હવે અમરદીપ સિંહને કસ્ટડીમાં રાખીને, તેની આગામી સુનાવણી ૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ લંડનની પ્રખ્યાત ઓલ્ડ બેલી કોર્ટમાં યોજાશે.
આ કેસ સંબંધિત તપાસ દરમિયાન, પોલીસે ૨૯ વર્ષીય પુરુષ અને ત્રણ મહિલાઓની પણ ધરપકડ કરી છે. જોકે, તે બધાને ઓક્ટોબર સુધી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે કેસની તપાસ હજુ પણ ચાલુ છે અને હત્યાના કારણો અંગે ઘણા પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
આ દુઃખદ ઘટનાએ લંડનના શીખ સમુદાય અને સ્થાનિક સમાજને આઘાત પહોંચાડ્યો છે. પોલીસ સ્થાનિક લોકો પાસેથી સહયોગની અપીલ કરી રહી છે. જેથી તપાસ આગળ ધપી શકે અને પીડિત પરિવારને ન્યાય મળી શકે. ગુરમુખ સિંહની અચાનક અને હિંસક હત્યાએ માત્ર તેમના પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમુદાયને શોકમાં ડૂબાડી દીધો છે.