Rajkot,તા.૧
ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં આરોપીઓ પકડાઈ ગયા છે. ત્યારે બંનેની પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાને લઈને નવા ખુલાસા થાય તેવી શક્યતા છે.
રીબડા ખાતે પેટ્રોલપંપ પર થયેલ ફાયરિંગનો મામલામામ રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કરનારા વ્યક્તિઓને દબોચી લીધા છે. ઉત્તરપ્રદેશ ખાતેથી બંને વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસ રાજકોટ લાવી પ્રેસ કોન્ફરન્સ કરાશે તેવી શક્યતા છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત કરી છે. બંને શખ્સોને હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાથી કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું. ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સો બસ અને ટ્રેન મારફતે ઉતરપ્રદેશ પહોંચ્યા હતા. વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજા દ્વારા જુની અદાવતમાં ફાયરિંગ કરાવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે.
પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા બંને શખ્સોની પોલીસે લાંબા સમય સુધી શોધખોળ ચલાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે માલૂમ કર્યું કે, બંને શખ્સો પરપ્રાંતીય હતા, અને રાજકોટથી રીબડા આવ્યા હતા અને રીબડાથી પરત રાજકોટ રૈયા ચોકડી સુધી ગયા હતા. ત્યાં સુધીનાા સીસીટીવી પોલીસને મળી આવ્યા છે. રૂરલ પોલીસની અલગ અલગ ટીમોએ હાર્દિકસિંહ જાડેજા સહિત ત્રણેય શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર ગત ગુરુવારના રોજ રાત્રિના ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર આવેલા બે જેટલા બુકાની ધારી વ્યક્તિઓ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રીબડા પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા ૩૮ વર્ષીય જાવેદ ખોખર દ્વારા બીએનએસ ની કલમ ૧૦૯, ૫૪ તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યુ હોવાની કબુલાત આપવામાં આવી છે. હાર્દિકસિંહ જાડેજા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જુદી જુદી સ્ટોરી અપલોડ કરી અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે રાજદીપ સિંહ જાડેજાના ઘર પર નહીં પરંતુ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી લેવામાં આવી હતી. સાથે જ રાજકોટ ખાતે પીન્ટુ ખાટડીના નિવાસ્થાન પાસે તેના માણસો દ્વારા રેકી પણ કરવામાં આવી હોવાનો વિડીયો પોતાના ઇસ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો