Rajkot,તા.૧
ધોરાજી ઉપલેટા વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ સિદ્ધાર્થ ભેટારિયાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું પાર્ટીની આંતરિક કામગીરીમાં થતી અવગણના અને કાર્યકર્તાઓની ઉપેક્ષાને લઈને આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ નેતૃત્વ અને કાર્યકર્તાઓ વચ્ચેના આંતરિક વિખવાદને ઉજાગર કર્યો છે, જે પાર્ટીની સ્થાનિક રાજનીતિમાં નવી ચર્ચાનો વિષય બન્યો છે.
સિદ્ધાર્થ ભેટારિયાએ તેમના રાજીનામામાં જણાવ્યું છે કે, યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમની કામગીરી અને પ્રયાસોને પાર્ટીમાં યોગ્ય મહત્વ આપવામાં આવ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે, હોદ્દા પર હોવા છતાં પાર્ટીની મિટિંગો, કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓમાં તેમની સાથે-સાથે અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની પણ અવગણના કરવામાં આવી. આ અંગે તેમણે પાર્ટીના ઉપરી અધિકારીઓને વારંવાર ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાનું તેમનું કહેવું છે. આ બાબતે નિરાશ થઈને તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો.