Junagadh તા. ૨
જુનાગઢમાં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી, અહીં જોખમી ઊંડો ખાડો છે, તેવા સાવચેતીના બોર્ડ મારી કંઈક અનોખો વિરોધ ગિરિરાજ રોડ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
ખાડા નગરી તરીકે પ્રખ્યાત થયેલ જુનાગઢ મહાનગરમાં અહીંના સ્થાનિક લોકો છેલ્લા ત્રણેક વર્ષોથી ખાડાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. એમાય તાજેતરમાં થયેલ વરસાદના કારણે આખા શહેરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું ત્યારે લોકોમાંથી ઉઠેલા ભારે રોષ બાદ મનપા દ્વારા શહેરના ખાડા ખબડાઓઅને કીચડવાળા વિસ્તારમાં કાંકરિયુ નાખવામાં આવી હતી, તો અમુક રસ્તાઓ ઉપર પેચ વર્ક કરવામાં આવ્યું હતું.
પરંતુ ખાડા અને કીચડ ઉપર નાખવામાં આવેલ કાંકરીઓનું લેબલિંગ કરવામાં ન આવતા, જુનાગઢ વાસીઓને હજુ પણ શારીરિક ત્રાસની સાથે ઉબળ ખાબડ રસ્તાઓને લીધે ટાયર તથા મોટર સાયકલના મેન્ટેનન્સ વધી જમા પામ્યા છે, અને શહેરના તમામ વિસ્તારોમાં રહેતા નગર સેવકો આ તમામ તકલીફો નરી આંખે જોતા હોવા છતાં પક્ષના નિયમો મુજબ કંઈ બોલી શકતા નથી. ત્યારે આમ જનતા વધુ પરેશાન થઈ રહી છે.
શહેરની રમુજ ગણો કે દુઃખની વાત તો એ છે કે, હવે જુનાગઢમાં મહેમાનો પણ આવવાનું ટાળી રહ્યા છે. અને છેલ્લા વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા પણ જૂનાગઢમાં ઘટી છે. જેના કારણે નાના મોટા વેપારીઓની સાથે રીક્ષા ચાલકો સહિતના દરરોજે દરજનું પેટીયુ રડતા લોકોને પણ આર્થિક પરેશાનીનો સામનો ભોગવવાનો સમય આવ્યો છે.
જુનાગઢ મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કોર્પોરેટરો આ તમામ પરેશાનીઓથી વાકેફ છે અને લોકોની અનેક ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે મનપા દ્વારા કંઈ ઉકાળી દેવામાં ન આવતા જૂનાગઢના ગિરિરાજ રોડ ઉપર એક નવતર વિરોધ કરતું ભયજનક બોર્ડ જાહેરમાં મૂકવામાં આવ્યું છે. જેમાં કદાચ શહેરના ભાજપના નેતાઓને સાનમાં સમજાવતો હોય તેમ કમળનું ચિન્હ ઊંધું ચીતરી આ બોર્ડ મૂકવામાં આવ્યું છે.