London,તા.04
લંડનના ઓવલ મેદાન પર રમાય રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં હેરી બ્રુક અને જો રૂટની સદીઓના જોરે ઇંગ્લેન્ડે પોતાની ટીમને વિજયની નજીક પહોંચાડી દીધી હતી.
રવિવારે ચોથા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 374 રન બનાવવાના હતા પરંતુ જ્યારે તેઓ જીતથી 35 રન દૂર હતા ત્યારે ખરાબ પ્રકાશને કારણે રમત બંધ કરવામાં આવી હતી અને પછી વરસાદને કારણે સ્ટમ્પ જાહેરાત કરવામાં આવી હતી.
અમ્પાયરોએ થોડીવાર રાહ જોઈ પણ વરસાદ બંધ ન થયો અને પછી સ્ટમ્પ જાહેર કરવામાં આવ્યો. દિવસની રમતના અંત સુધીમાં, ઇંગ્લેન્ડે છ વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા.
હેરી બ્રુકે તોફાની ઇનિંગ્સ રમી અને ભારતને બેકફૂટ પર ધકેલી દીધું. ભારતને તેની વિકેટ પહેલા મળી ગઈ હોત, પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણના બોલ પર મોહમ્મદ સિરાજે ફાઇન લેગ પર તેનો કેચ લીધો અને તેનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી ગયો. આ ભારત માટે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને પછી બ્રુકે તોફાની ગતિએ રન બનાવ્યા અને સદી ફટકારી.
તેણે 98 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 111 રન બનાવ્યા. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે તેને ટેકો આપ્યો. બંનેએ ચોથી વિકેટ માટે 195 રનની ભાગીદારી કરી. રૂટે પોતાના ટેસ્ટ કરિયરની 39મી સદી ફટકારી. તેણે 152 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગાની મદદથી 105 રન બનાવ્યા.
ઇંગ્લેન્ડે દિવસની શરૂઆત એક વિકેટ ગુમાવીને કરી હતી. બેન ડકેટ અને ઓલી પોપે ભારતને પરેશાન કરવાનું શરૂ કર્યું. ડકેટે ઝડપી રન બનાવ્યા અને પોતાની અડધી સદી પૂર્ણ કરી, જેના થોડા સમય પછી તે પ્રસિદ્ધ કૃષ્ણનો શિકાર બન્યો. તેણે 83 બોલમાં છ ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા.
ત્યારબાદ મોહમ્મદ સિરાજે પોતાની શાનદાર ઇનસ્વિંગથી ઓલી પોપને એલબીડબલ્યુ આઉટ કરાવ્યો. પોપે 34 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા.
આ પછી, હેરી બ્રુક અને જો રૂટે વિકેટ પર પોતાના પગ જમાવી દીધા. ભારતને બ્રુકની વિકેટ મળી હોત પણ સિરાજની ભૂલે ગડબડ મચાવી દીધી. આ ભૂલ ટીમ ઈન્ડિયાને મોંઘી પડી હતી અહીંથી ભારતીય ટીમની બોડી લેંગ્વેજ નિરાશ દેખાતી હતી.
સિરાજે રૂટને તેના બોલથી પરેશાન કર્યો, પરંતુ તે વિકેટ લઈ શક્યો નહીં. આ દરમિયાન બ્રુકે તેની સદી પૂર્ણ કરી લીધી હતી. તેના થોડા સમય પછી, તે આકાશદીપના બોલ પર સિરાજના હાથે કેચ આઉટ થયો.
જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બ્રુકની વિકેટ 301ના કુલ સ્કોર પર પડી ગઈ અને અહીંથી ઇંગ્લેન્ડને જીતવા માટે ફક્ત 73 રનની જરૂર હતી. બ્રુક-રૂટ આઉટ થયા બાદ મેચ રસપ્રદ બની ગયો હતો. ભારતને જીતવા ત્રણ વિકેટ અને ઇંગ્લેન્ડને વિજય માટે 3પ રનની જરૂર છે.