New Delhi, તા. 4
બિહારમાં હાલ મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેને લઇ હાલ દેશમાં ધમાસાણ ચાલી રહ્યું છે. SIR સામેના વિરોધ વચ્ચે, RJD નેતા તેજસ્વી યાદવ પાસે 2 મતદાર ઓળખ કાર્ડ હોવાનો મામલો સામે આવતા રાજકિય ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભાજપે RJD નેતા સામે FIR નોંધાવવાની માંગ કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું દેશમાં બે મતદાર ઓળખ કાર્ડ રાખવા ગુનો છે? જો હા, તો આ માટે જેલ સજાની જોગવાઈ છે?
ભારતમાં બે મતદાર ઓળખ કાર્ડ રાખવા ગેરકાયદેસર છે. ભારતના ચૂંટણી પંચ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ના નિયમો હેઠળ, એક વ્યક્તિનું નામ એક કરતાં વધુ મતદાર યાદીમાં નોંધાયેલું હોવું અથવા બે અલગ અલગ મતદાર ઓળખ કાર્ડ રાખવાનો ગુનો ગણવામાં આવે છે.
મહત્વનું કારણ એ છે કે, મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતાને અસર કરી શકે છે. બે મતદાર ઓળખપત્ર રાખવાથી વ્યક્તિ એક કરતા વધુ વખત મતદાન કરવાનો પ્રયાસ કરી શકે છે, જે ચૂંટણી પ્રક્રિયાની વિરુદ્ધ છે. ભારતીય કાયદા પ્રમાણે બે મતદાર કાર્ડ રાખવા સામે તમને એક વર્ષ જેલની સજા અથવા ભારે દંડ ફટકારવામાં આવી શકે છે.