New Delhi,તા.4
દેશનાં મોટાભાગના રાજયોમાં મહિલાઓના ચેન ખેંચી લેવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે તે સમયે આજે સવારે દિલ્હીમાં પોશ ગણાતા અને વીવીઆઈપીના વિસ્તાર ચાણકયપુરીમાં મહિલા સાંસદ આર.સુધાને પણ ચેઈન સ્નેચર ભટકાઈ ગયો હતો અને તેઓ મોર્નીંગ વોકમાં નીકળ્યા હતા. ત્યારે કોઈએ તેનો ચેઈન ખેંચીને નાસી ગયો હતો. દેશના ટોચના રાજનેતાઓ અને અનેક દેશોના રાજદૂતો ચાણકયપુરી વિસ્તારમાં રહે છે.
તે સમયે તામિલનાડુના કોંગ્રેસના સાંસદ આર.સુધા સાથે બનેલી આ ઘટનાથી દિલ્હી પોલીસ દોડતી થઈ ગઈ છે. તેઓ તામિલનાડુ ભવનમાંથી સવારે વોકીંગમાં નીકળ્યા હતા ત્યાં અચાનક જ સ્કુટર પર હેલ્મેટ પહેરીને આવેલા એક વ્યક્તિ તેનો ચેઈન ખેંચીને નાસી છુટયો હતો.
આ વ્યક્તિ સામે મહિલા સાંસદ જે તરફ વોકીંગ કરીને જઈ રહ્યા હતા તેની સામેની દિશાથી આવ્યો હતો. અહી આ પ્રકારે અવરજવર થતી હોવાથી મહિલા સાંસદ સાવધ ન હતા અને અચાનક જ સ્કુટર પર સવાર વ્યક્તિએ તેમનો ચેઈન ખેંચીને નાસી છુટયા હતા.
એટલું જ નહી તે સમયે તેમને વાગેલા ધકકાથી મહિલા સાંસદ પડતા પડતા બચ્યા હતા અને મદદ માટે બુમો પાડી હતી પરંતુ ત્યાં સુધીમાં ચેઈન સ્નેચર નાસી જવામાં સફળ રહ્યો હતો. હવે આ ઘટના અંગે તેઓએ લોકસભા અધ્યક્ષને પણ જાણ કરી હતી અને દિલ્હી પોલીસે પણ ખાસ ટીમ બનાવી છે અને ચેઈન સ્નેચરને શોધવા માટે સીસીટીવીની મદદથી તપાસ શરુ કરી છે.