Ahmedabad,તા.4
રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચેલા સોના-ચાંદીના ભાવોમાં કેટલાંક દિવસોથી મોટી વધઘટ થઈ રહી છે. સોનાના ઉંચાભાવને કારણે રીટેઈલ ખરીદી પ્રભાવિત થઈ છે. આવનારા તહેવારોમાં પણ અપેક્ષિત ઘરાકી રહેવાની આશંકા છે ત્યારે તેનો જ સ્પષ્ટ સંકેત હોય તેમ ગુજરાતમાં એપ્રિલથી જુલાઈના ચાર મહિનામાં સોનાની આયાતમાં 71 ટકાનો ઘટાડો થયો છે.
અમદાવાદ એરકાર્ગો કોમ્પ્લેક્ષના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે છેલ્લા ચાર મહિનામાં સોનાની આયાત માત્ર 8.46 ટન જ હતું જે ગત વર્ષના આ ગાળામાં 29.83 ટન નોંધાઈ હતી.
જવેલર્સો તથા બુલીયન વેપારીઓના કહેવા પ્રમાણે ઉંચા-રેકોર્ડભાવને કારણે સોનાની ડીમાંડને બ્રેક લાગી હોવાનુ સુચવાય છે. છેલ્લા કેટલાંક વખતથી સોનાનો દસ ગ્રામનો ભાવ રૂા.1 લાખ આસપાસ જ ચાલીરહ્યો છે જે સામાન્ય વર્ગની પહોંચની બહાર છે. એક વર્ગ ઓછા કેરેટના અને હળવા વજનના દાગીના તરફ વળી ગયો છે અને તે ધોરણે બજેટ મુજબ ખરીદી કરે છે.
તેઓએ એમ કહ્યું કે, અત્યાર સુધી મુખ્યત્વે 22 કેરેટના દાગીનાની જ બોલબાલા હતા. પરંતુ હવે 18 અને 14 કેરેટનુ વલણ વધી ગયુ છે. સોનાનો મોહ જાળવીને ઓછા કેરેટનો ભાવ સસ્તો પડતો હોવાથી બજેટ પણ સચવાય જાય છે.
હવે 9 કેરેટના દાગીનામાં પણ ફરજીયાત હોલમાર્કિંગનો નિયમ દાખલ થયો હોવાથી તેનુ ચલણ પણ વધવા લાગશે તેમ માનવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર પુર્વે ચાંદીની રાખડી તથા ગીફટ આર્ટીકલ્સની ડીમાંડ દેખાય રહી છે. પરંતુ સોનાની ખરીદી-કારોબારમાં ટાઢોડુ જ રહ્યુ છે.
જવેલર્સોના કહેવા પ્રમાણે સોનાના ઉંચાભાવને કારણે ઘટતી ડીમાંડ, ઓછા કેરેટના ચલણથી સોનાની જરૂરિયાત ઓછી થવી જેવા કારણોથી આયાતમાં ઘટાડો થયો છે. ઉત્પાદન એકમોની ખરીદી પણ ઓછી થઈ છે. જો કે, ભાવની તેજી પાછળ ડીમાંડને બદલે વિશ્વસ્તરે ભૌગોલિક ટેન્શન તથા મેક્રો-ઈકોનોમિકસ પરિબળો જવાબદાર છે.
રશિયા-યુક્રેન, ઈરાન-અમેરિકા, ઈઝરાયેલ-હમાસના યુદ્ધ કે ટેન્શન ઉપરાંત કરન્સી માર્કેટમાં ઉથલપાથલને કારણે વૈશ્વિક સોનામાં તેજી છે. ભાવોમાં મોટી વધઘટ થતી હોવા છતાં એકંદરે ઉંચા જ જઈ રહ્યા છે.
સોનામાં ઘટતી ડીમાંડ સામે ચાંદીની ખરીદીમાં વૃદ્ધિને સૂચક ગણાય છે. એક વર્ગ સોનાના વિકલ્પ તરીકે ચાંદીને સ્વીકારવા લાગ્યો છે. ઝવેરીઓના કહેવા પ્રમાણે તહેવારોની શુભ ખરીદી તથા લગ્નગાળાની ડીમાંડના દિવસો આવી રહ્યા છે ત્યારે ભાવ અને ડીમાંડ મોરચે કેવી સ્થિતિ રહે છે તેના પર મીટ છે. છેલ્લા ચાર માસથી આયાતમાં સતત ઘટાડો થયો તે સારા સંકેત નથી.