Surendranagar, તા.4
ઝાલાવાડમાં શહેર તેમજ ગ્રામ્યમાં અષાઢ માસની અમાસ એટલે કે દિવાસોના દિવસથી દશામાના વ્રતની શરૂઆત થઈ હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. અને ઘરે દશામાની મુર્તીની સ્થાપના કરીને 10 દિવસ ઉપવાસ, એકટાણા કરી પુજા અર્ચના કરે છે. જયારે શ્રાવણ સુદ નોમના દિવસે રાત્રે જાગરણ કરી દશમની વહેલી સવારે મૂર્તીનું પાણીમાં વીસર્જન કરાય છે.
પરંતુ જે મૂર્તીની 10 દિવસ પુજા અર્ચના કરી હોય તે મુર્તી જળમાં વિસર્જીત કરવાના બદલે જયાં ત્યાં મુકી દેતા દશામાની અવદશા જોવા મળતી હતી.શ્રાવણ માસ તહેવારોનો માસ ગણાય છે. હિન્દુ ધર્મના કેલેન્ડર મુજબ શ્રાવણ માસમાં આવતા તહેવારોનું અનેરૂ મહત્વ છે. ત્યારે અષાઢ માસની અમાસ એટલે કે, દિવાસોના દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે.
શ્રાવણ સુદ નોમના દિવસે આ વ્રતનો અંતીમ દિવસ હોય છે. લગ્ન બાદ સૌભાગ્યવતી સ્ત્રીઓ પરીવારની સમૃધ્ધી અને સારા નસીબ માટે આ વ્રત કરે છે. પ્રથમ દિવસથી મહિલાઓ જમણા હાથ પર 10 ગાંઠોના દોરા પહેરે છે. અને ઘરે બાજોઠ પર માતાજીની મુર્તીની સ્થાપના કરાય છે. અને સ્ત્રીઓ 10 દિવસ ઉપવાસ, એકટાણા કરે છે.
પોતાના શરીરની શકિત મુજબ અમુક સ્ત્રીઓ તો નકરોડા ઉપવાસ પણ કરે છે. અને માતાજીની વાર્તાનું વાંચન કરીને પુજા અર્ચના અને આરતી કરે છે. શાસ્ત્રો મુજબ તો ઘરે માટીથી બનેલી સાંઢણીની સ્થાપના કરીને દશામાના વ્રત કરાય છે. જયારે અંતીમ દિવસે રાત્રે જાગરણ બાદ વહેલી સવારે 4 કલાક પછી આ માટીની મૂર્તી પાણીમાં વીસર્જીત કરાય છે. આથી પાણીમાં માટી ભળી જાય છે.
પરંતુ હાલના સમયે પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તીઓ વેચાય છે સ્થપાય છે. જે મૂર્તીઓ પાણીમાં કચરા સ્વરૂપે લાંબો સમય પડી રહે છે. સુરેન્દ્રનગર શહેરમાં પણ મહિલાઓએ આ વ્રત રાખ્યા હતા. અને શનીવારે રાત્રે જાગરણ કરીને રવીવારે સવારે માતાજીની મૂર્તીઓનું વીસર્જન કર્યુ હતુ. જેમાં શહેરના ટાગોરબાગના તળાવમાં આ મૂર્તીઓ જોઈને ખરેખર એમ લાગતુ હતુ કે, દશામાની મૂર્તિઓની આવી અવદશા !