Islamabad,તા.૪
પાકિસ્તાન ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટી ૨૦ શ્રેણી રમાઈ હતી, જે પાકિસ્તાને ૨-૧થી જીતી હતી. હવે ૮ ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. આ શ્રેણી પહેલા પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન ફખર ઝમાન, જેમણે વનડે ફોર્મેટમાં ૧૧ સદી ફટકારી છે, તે હેમસ્ટ્રિંગ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
ફખર ઝમાનને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટી ૨૦ મેચ દરમિયાન આ ઈજા થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સની ૧૯મી ઓવરમાં બોલ પકડતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે, તે ત્રીજી ્૨૦ મેચ પણ રમી શક્યો ન હતો. ત્રીજી ્૨૦ મેચ માટે ફખરની જગ્યાએ ખુશદિલ શાહને પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ફખર ઝમાનની ઈજા અંગે પીસીબીએ કહ્યું કે તેને તાત્કાલિક અસરથી તબીબી સુવિધાઓ આપવામાં આવી છે અને તે ૪ ઓગસ્ટે પાકિસ્તાન પાછો ફરશે. ત્યારબાદ, તે લાહોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે પીસીબીની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ તેનું પુનર્વસન કરશે.પીસીબીએ કોઈ માહિતી આપી નથી કે વનડે શ્રેણી માટે ફખર ઝમાનના સ્થાને કયા ખેલાડીનો સમાવેશ કરવામાં આવશે.
ફખર ઝમાન વિશે વાત કરીએ તો,વનડે ક્રિકેટમાં તેના આંકડા ખૂબ સારા છે. તેણે અત્યાર સુધીમાં ૮૬ વનડે રમી છે અને ૪૬.૨૧ ની સરેરાશથી તેના બેટથી ૩૬૫૧ રન બનાવ્યા છે. તેણે વનડે ફોર્મેટમાં ૧૧ સદી અને ૧૭ અડધી સદી ફટકારી છે. આ દરમિયાન, તેનો સર્વોચ્ચ સ્કોર ૨૧૦ રન અણનમ છે. તે આ ફોર્મેટમાં પાકિસ્તાન ટીમના મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક છે. આવી સ્થિતિમાં, ટીમને આગામી વનડે શ્રેણીમાં તેની ખોટ સાલશે.