New Delhi,તા.06
સતત ત્રણ મોનેટરી બેઠકમાં વ્યાજદરમાં કુલ 100 બેસીઝ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ રેપોરેટ 5.5% એ જાળવી રાખવાની જાહેરાત કરી છે. સોમવારથી શરૂ થયેલ આરબીઆઈની મોનેટરી કમીટીની બેઠક બાદ આજે બેન્કના ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાએ હવે ટેરીફ વોર- ચોમાસાની હાલની સ્થિતિ વિ.ના આધારે વ્યાજદર યથાવત રાખવાની જાહેરાત કરી છે.
જેનાથી હવે તહેવારો પુર્વે હાલ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહી થાય અને બેન્કોને હવે અગાઉ ઘટાડાયેલા 100 બેસીઝ પોઈન્ટની પુરી અસર ધિરાણ વ્યાજદરમાં આપવા સમય આપ્યો છે.
તહેવારો પુર્વે રીઝર્વ બેન્ક વધુ 25 બેસીઝ પોઈન્ટ વ્યાજદર ઘટાડશે તેવી આશા હતી પણ ટેરીફની અનિશ્ચિતતાએ રિઝર્વ બેન્કને સાવધ કરી દીધુ છે. રૂપિયો સતત નીચો જઈ રહ્યો છે તેની અસર આયાત પર થશે અને તે મોંઘી થશે તેવી શકયતા છે.
જેથી ક્રુડતેલ મોંઘુ થતા ફુગાવા પર અસર થઈ શકે છે. જે હાલ સંતોષકારક સપાટી પર છે. ટેરીફના કારણે વૃદ્ધિદર પર પણ અસર થશે. જો કે આરબીઆઈએ તે 6.5%નો અંદાજ જાળવી રાખ્યો છે. વ્યાપાર-ધંધાઓ પણ ટેરીફના આખરી ચિત્રની રાહ છે. હાઉસીંગ લોનમાં કોઈ મોટી ડિમાન્ડ નથી તેમ રિઝર્વ બેન્કે રાહ જોવાનો નિર્ણય લીધો છે.