New Delhi તા.5
અમેરિકામાં વર્ષોથી ફેક મેરેજ કરીને ગ્રીન કાર્ડ લેવામાં આવે છે પરંતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને તેના પર રોક લગાવવા માટે એક પછી એક કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. USCIS દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ અનુસાર હવે ફેમિલી બેઝ્ડ ઈમિગ્રન્ટ વિઝા પિટિશન્સ અને ખાસ તો મેરેજ બેઝ્ડ ગ્રીન કાર્ડ એપ્લિકેશન્સ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.
આ કવાયતનો હેતુ માત્ર જેન્યુઈન મેરેજ કરતા લોકોને જ ગ્રીન કાર્ડ મળી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. ઓગસ્ટ 01ના રોજ ઈશ્યૂ કરાયેલા અપડેટેડ ગાઈડન્સનો અમલ શરૂ થઈ ચૂક્યો છે તેમજ આ નવા ધારાધોરણો ભવિષ્યમાં કરાતી એપ્લિકેશન્સ ઉપરાંત પેન્ડિંગ એપ્લિકેશન્સના પ્રોસેસિંગમાં પણ લાગુ પડશે.
નવા નિયમો પર નજર કરીએ તો મેરેજ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરતા કપલ્સને હવે પોતાના રિલેશનને સાબિત કરતા મજબૂત ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશે તેમજ તેમની રિલેશનશિપ રિયલ છે તેની પણ ખાતરી આપવી પડશે. જેના માટે જોઈન્ટ બેન્ક અકાઉન્ટ્સ અને યુટિલિટી બિલ્સ ઉપરાંત મેરેજ અને અન્ય પ્રસંગોના ફોટોગ્રાફ્સ, ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સના પર્સનલ સ્ટેટમેન્ટ્સ અને લેટર્સનો સમાવેશ થાય છે.
હવે મેરેજની વેલિડિટીને અસેસ કરવા માટે કપલ્સના ઈન-પર્સન ઈન્ટરવ્યુને પણ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે, આ ઈન્ટરવ્યુમાં કપલ એકબીજાને કેટલું ઓળખે છે તે જાણવા માટે તેમને અટપટા સવાલ પૂછવામાં આવી શકે છે.
આ ઉપરાંત તેમની ઈમિગ્રેશન હિસ્ટ્રીની પણ હવે ઉંડાણપૂર્વક સ્ક્રુટિની કરવામાં આવશે તેમજ જેના ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરવામાં આવ્યું છે તે પહેલાથી જ બીજા કોઈ વિઝા પર અમેરિકામાં છે કે કેમ તે બાબતને ધ્યાને લઈ તે અનુસાર તપાસ કરાશે.
તેવી જ રીતે સ્પાઉસનું ગ્રીન કાર્ડ સ્પોન્સર કરનાર વ્યક્તિના ભૂતકાળમાં કોઈ મેરેજ થયા છે કે નહીં અને તેણે કોઈના માટે ગ્રીન કાર્ડ સ્પોન્સર કર્યું છે કે નહીં તેની પણ વિગતે તપાસ થશે.
USCIS એ હવે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, ગ્રીન કાર્ડ મળી જાય તેનો મતલબ એ નથી થતો કે ગ્રીન કાર્ડ હોલ્ડરને ડિપોર્ટેશનથી પ્રોટેક્શન મળી ગયું. જો ગ્રીન કાર્ડ હોલ્ડર ડિપોર્ટેશનને પાત્ર હશે તો તેને નોટિસ ટુ અપિયર ઈશ્યૂ કરી શકાય છે.