Surat,તા.૬
સુરતની સુમુલ ડેરીમાં કશુ સમુસૂતરુ ચાલતું હોય તેમ લાગતું નથી. આજે પરિસ્થિતિ એવી આવી છે કે ક્રાઇમ બ્રાન્ચે વાઇરલ ઓડિયો ક્લિપના મુદ્દે ચાર ડિરેક્ટરોને નિવેદન માટે બોલાવ્યા છે. જ્યારે ડિરેક્ટર ભરત પટેલે તો મીડિયા સમક્ષ ચોંકાવનારા આક્ષેપ મૂક્યા છે.
પહેલા લાફાના વિવાદ પછી હવે વાઇરલ થયેલી ઓડિયો ક્લિપના મુદ્દે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે તે ઘટના બતાવે છે કે વાત કેટલી ગંભીર છે. આ કેસમાં ભૂતપૂર્વ મંત્રી કાંતિ ગામીત, ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ ગામીત, ભરત પટેલ અને રેશા ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે. તેમા ભરત પટેલ અને રેશા ચૌધરી નિવેદન આપવા આવ્યા છે. ભરત પટેલનો દાવો હતો કે મેં આદિવાસી બહેનોને કાઢી મૂકવાનો વિરોધ કરતાં આ બધુ કમઠાણ રચાયું છે. મારી સામે મોરચો માંડવામાં આવ્યો છે. ડેરીમાં જૂથબંધી થઈ રહી છે. મેં આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.
ભરત પટેલે જણાવ્યું હતું કે ૧૦૦ કરોડના કૌભાંડની વાત કરી અમને ખોટી રીતે ફસાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. મારા વિરોધના કારણે હવે મારા સમર્થક ડિરેક્ટરોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જો કે ઓડિયો વાઇરલ થવાને લઈને હું અજાણ છું. આ ઓડિયો વાઇરલ કોણે કર્યો તેના અંગે તેમણે કંઇ જ ખબર ન હોવાનો દાવો કર્યો છે. જો કે આગામી દિવસોમાં સુમુલ ડેરીના વિવાદમાં વધુને વધુ ફણગા ફૂટે તેમ માનવામાં આવે છે.