New Delhi,તા.07
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવ્યા બાદ, તેમની બહેન અને પાર્ટીના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ભાજપના સાંસદ મનન કુમાર મિશ્રાએ કહ્યું છે કે, આ મામલે તેમની સામે કોર્ટના તિરસ્કારનો કેસ દાખલ કરવામાં આવશે. ભાજપના સાંસદે કહ્યું કે, પ્રિયંકાએ જાહેરમાં અને મીડિયામાં કોર્ટ વિરુદ્ધ અનેક નિવેદનો આપીને કોર્ટનો તિરસ્કાર કર્યો છે; અને તેથી જ તેઓ તેમના બેજવાબદાર વર્તન સામે અરજી દાખલ કરવા જઈ રહ્યા છે.
‘પ્રિયંકા સામે અવમાનનાનો કેસ દાખલ કરીશ’
ભાજપના સાંસદ મનન કુમાર મિશ્રાએ પ્રિયંકા ગાંધી વાડ્રા પર સુપ્રીમ કોર્ટના અપમાનનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, ‘તેમણે મીડિયા સામે અનેક નિવેદનો આપીને કોર્ટનો અપમાન કર્યો છે.
તેથી, અમે તેમની વિરુદ્ધ અવમાન અરજી દાખલ કરવા જઈ રહ્યા છીએ કારણ કે તેઓ કોર્ટ (રાહુલ ગાંધીને) શું કહેવા માંગે છે તે સમજ્યા વિના આવા બેજવાબદાર નિવેદનો આપી રહ્યા છે.’ તેમણે કહ્યું કે ‘બાર અને વકીલો વતી અરજી દાખલ કરવામાં આવશે. આ દેશના લોકો આવા બેજવાબદાર નિવેદનોને સહન કરશે નહીં.
‘તેઓ નક્કી કરી શકે નહીં કે કોણ સાચો ભારતીય છે’
મંગળવારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ભાઈ રાહુલના બચાવમાં બહાર આવી અને કહ્યું કે કોર્ટ એ કહી શકતી નથી કે કોણ સાચો ભારતીય છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે, ‘તેઓ નક્કી કરી શકતા નથી કે કોણ સાચો ભારતીય છે.
આ વિપક્ષના નેતાનું કામ છે, સરકારને પડકારવા માટે પ્રશ્ર્નો પૂછવાની તેમની ફરજ છે. મારો ભાઈ ક્યારેય સેના વિરુદ્ધ કંઈ કહી શકતો નથી. તે સેનાને ખૂબ માન આપે છે. આ ગેરસમજ થઈ છે.’