Prabhaspatan, તા.7
સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે અતિ પ્રાચીન નગર એવા પ્રભાસ પાટણમાં જમીન સંપાદન મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મંગળવારે પ્રભાસ પાટણ ગામ સજ્જડ બંધ રહ્યું હતું, બાદમાં રાત્રીના પ્રભાસ પાટણ ગામમાં સમસ્ત ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ગામના દરેક સમાજના આગેવાનો, અસરગ્રસ્ત પરિવારો ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી, મામલતદાર પરસાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા ઘણા સમય થી સોમનાથ મંદિર કોરિડોર ની ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ કોરિડોર અંગે આજ દિન સુધી કોઈ પારદર્શક વિગતો સોમનાથ મંદિર ટ્રસ્ટ કે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. કોરિડોર નો પ્રાથમિક પ્લાન આયોજન આ તમામ બાબતો જાહેર જનતા થી યેન કેન પ્રકારે છુપાવવા માં આવી રહી છે. છેલ્લા આઠેક માસ થી કોરિડોર ની ગતિવિધિ તેજ બની છે. અને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર વચ્ચે મેરેથોન બેઠકો યોજાઈ રહી છે.
અને કોરિડોર માટે જમીન સંપાદન ની કામગીરી ને અગ્રતા આપી પ્રભાસ પાટણ નગર ના લોકો સાથે જિલ્લા કલેકટર, ડે. કલેકટર, એસ.પી. સહિત શીર્ષ અધિકારી ઓ અવાર નવાર બેઠકો યોજી રહ્યા છે અને આશરે 384 જેટલા મિલકત ધારકો ની મિલકત સંપાદન કરવા ની મૌખિક વાતો રજૂ કરી છે.
છેલ્લા ત્રણેક દિવસથી વહીવટી તંત્ર નો અસરગ્રસ્તો સાથે ના વ્યવહાર મા ઉગ્રતા આવી હોવાથી અસરગ્રસ્તો અને ગામના નાગરિકો માં કચવાટ અને રોષ ભભૂકી ઉઠ્યો છે.
બેઠકમાં સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને “અમારે કોરિડોર નથી જોઈતો” ના નારા લગાવ્યા હતા. મહિલાઓએ અશ્રુભીની આંખે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રેવન્યુ નો સ્ટાફ ગગરે આવી કેન્સલ ચેક, આધારકાર્ડ જેવા ડોક્યુમેન્ટની ઉઘરાણી કરવા આવી ગયા છે.
બેઠકમાં ઉપસ્થિત ડેપ્યુટી કલેક્ટર જોશીએ જણાવ્યું હતું કે સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે 25 હજાર ચોરસ મીટર જમીનનું સંપાદન કરવામાં આવશે. જોકે, સ્થાનિકોનો આરોપ છે કે ડેપ્યુટી કલેક્ટરે મહિલાઓની રજૂઆત સાંભળી નથી, જેના કારણે તેમનામાં રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે.
આ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લોકોનું કહેવું છે કે તેમને આગોતરી કોઈ જાણ કે નોટિસ આપવામાં આવી નથી અને સીધી જ સંપાદનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિકોનો વિરોધ જોતાં આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે.