New Delhi,તા.7
બિહારમાં મતદાર યાદી મુદે સર્જાયેલા વિવાદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત ચૂંટણીપંચને આડે હાથ લેતા જણાવ્યું હતું કે પંચ સતાધારી સાથે રહીને ગુન્હાહીત છેતરપીંડી કરી રહ્યો છે.
આજે વિપક્ષની બેઠકમાં રાહુલ ગાંધીએ આ મુદો ઉઠાવ્યો હતો અને બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં પણ ચૂંટણીપંચ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે, મહારાષ્ટ્રમાં 40 લાખ મતો રહસ્યમય રીતે જોડવામાં આવ્યા છે.
લોકસભાની 2024ની ચૂંટણીમાં પણ આવી જ ગડબડ કરવામાં આવી હતી તેમણે ચૂંટણીપંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે લોકતાંત્રીક પ્રક્રિયાનું પાલન ન કરીને મતની ચોરી કરવામાં આવી રહી છે અને ચૂંટણીપંચ ભાજપ માટે મતો ચોરી રહ્યું છે. રાહુલ ગાંધીએ અગાઉ પણ પંચ સામે આ પ્રકારના આક્ષેપો કર્યા હતા.
આ મુદે ફરી એક વખત તેઓએ પંચને આરોપીના પાંજરામાં મુકયું છે. રાહુલ ગાંધીએ પોતે પુરાવા આપતા હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું કે મહારાષ્ટ્રના ડેટા મુજબ 40 લાખ મતો શંકાસ્પદ છે અહીં છેલ્લા પાંચ માસમાં છેલ્લા પાંચ વર્ષ કરતા પણ વધુ મતો ઉમેરાયા.
તેમણે કર્ણાટકમાં પણ આ પ્રકારે હેરાફેરી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને મહાદેવપુરા વિધાનસભા બેઠકના મતદાર યાદી સ્ક્રીન ઉપર દર્શાવી હતી અને કહ્યું કે 6.5 લાખ મતદારોમાંથી 1 લાખ મતોની ચોરી થઈ છે.
જેમાં ખોટા સરનામા, ડુપ્લીકેટ મતદારો પણ હતા. રાહુલે આ મુજબ પત્રકાર પરિષદમાં સ્ક્રીન ઉપર મહારાષ્ટ્ર અને અન્ય રાજયની મતદાર યાદીમાં કયાં કયાં ગોટા થયા છે તે દર્શાવ્યું હતું. તેઓએ ડુપ્લીકેટ મતદારોની યાદી પણ રજુ કરી હતી. અને એક જ સરનામા એક મતથી વધુ મતદારો હોવાનું દર્શાવ્યું હતું.