ભવનાથ મંદિરની લાઇવ આરતી તથા દર્શન દેશ વિદેશના ભાવિકો ઓનલાઇન નિહાળી શકશે
Junagadh તા. 07
ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવતાની સાથે જ સ્વચ્છતા અભિયાનને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે સાથે મંદિરના વિકાસ, સંચાલન, દર્શનાર્થીઓ માટે સુંદર સુવિધાઓમાં અનેક પરિવર્તન હાથ ધરવામાં આવશે તેમ મંદિરના પ્રાંત અધિકારી દ્વારા જણવા મળી રહ્યું છે.
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આપેલ માહિતી મુજબ, ભવનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ સુવિધાઓ ઉભી કરાશે, બુટ-ચંપલ રાખવા માટે વ્યવસ્થા કરાશે, શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરાશે, દર્શન લાઈનો માટે વ્યવસ્થિત ગાઈડ લાઈન મુકરર થશે તથા જલાભિષેક માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાશે.
પ્રાંત અધિકારીના વધુમાં જણાવ્યા મુજબ, ભવનાથ મંદિરના સોશિયલ મીડિયા જેવા કે, ફેસબુક, ઇન્સ્ટા માં પેજ શરૂ કરાશે, સોશિયલ મીડિયાના માધ્યમથી ભવનાથ મહાદેવના સોમનાથ સહિતના અન્ય પ્રખ્યાત મંદિરોની જેમ ‘લાઈવ આરતી દર્શન’ પણ શરૂ કરવા માટે વિચારાય રહ્યું છે. તે સાથે અંબાજી સહિતના મંદિરોમાં ભાવિકોને અપાતી સુવિધા અને વ્યવસ્થા અંગે અભ્યાસ કરી ભવનાથ મહાદેવના ભાવિકો, ભક્તો માટે સુંદર અને આધુનિક સુવિધાઓ, વ્યવસ્થા ઉભી કરાશે.
ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળની તમામ મિલકતો હવે વહીવટદાર હસ્તક રહી છે અને અહીંથી આવક-જાવક તથા અન્ય વ્યવસ્થાઓ માટે નિયમિત શાસનપદ્ધતિ અમલમાં મુકાઈ છે. મંદિર સંચાલન માટે ખાસ રીતે નાયબ મામલતદાર, કારકુન તથા હિસાબી અધિકારી કક્ષાના અધિકારીઓની નિમણૂક કરાઈ છે અને એક નક્કર કચેરીની રચના પણ કરવામાં આવી છે. તથા દર્શનાર્થીઓ, દાતાઓ અને ભક્તો માટે સંપર્ક સરળ બને તે માટે સંપર્ક નંબર ૯૫૧૦૦ ૯૨૨૨૦ જાહેર કરવામાં આવ્યો છે.
ભવનાથ મંદિરના વહીવટદાર અને જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે એ પણ જણાવ્યું હતું કે, ભવનાથ મંદિર માત્ર ધાર્મિક કે લોકસંસ્કૃતિનું પણ વ્યવસ્થિત દ્રષ્ટિએ દેશના શ્રેષ્ઠ તીર્થસ્થાનોમાં સ્થાન પામે તે દિશાએ તંત્ર
પ્રગતિશીલ છે. તે સાથે મંદિર આસપાસના ગેર કાયદેસર દબાણો કરાશે.