Washington,તા.8
ભારત-રશિયા વચ્ચે ક્રુડ ખરીદી સહિતના વ્યાપારી સંબંધોને કારણે ખુલ્લી દુશ્મની પર ઉતરી આવેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારત સાથે વ્યાપાર સંબંધી કોઈ વાતચીત પણ નહીં કરવાનુ એલાન કર્યુ છે. અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફનો અમલ શરૂ કરી જ દીધો છે. રશિયા પાસેથી ખરીદાતા ક્રુડતેલને કારણે વધારાના 25 ટકા ટેરિફનો અમલ 20 દિવસ પછી શરૂ થવાનો છે. હજુ વધુ નિયંત્રણો લાદવા ધમકી ઉચ્ચારી છે. વ્યાપાર વાટાઘાટો માટે 25 ઓગષ્ટે અમેરિકી પ્રતિનિધિમંડળ ભારત આવશે અને મડાગાંઠ ઉકેલવા વાટાઘાટો કરશે તેવુ અગાઉથી જ નિર્ધારિત થઈ ગયુ હતું ત્યારે હવે ભારત સાથે વ્યાપાર વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈ વાટાઘાટો પણ નહીં કરવાનુ ટ્રમ્પે એલાન કર્યુ છે. વ્હાઈટ હાઉસ ખાતેના કાર્યક્રમમાં ભારત સાથે ફંડ વાટાઘાટો વિશેના સવાલ પર પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે હવે ટેરિફ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈ વાટાઘાટો નહીં થાય. રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી રોકવા અમેરિકાએ દબાણ કર્યુ હતુ પરંતુ ભારતે તે નકારતા ટ્રમ્પે વધારાના 25 ટકા ટેરિફ જાહેર કર્યા હતા અને તેના બીજા જ દિવસે હવે ભારત સાથે વાટાઘાટો પણ નહીં કરવાનું જાહેર કર્યુ છે. અમેરિકાએ એવો આરોપ મુકયો છે કે ભારત રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદીને મુક્ત બજારમાં ઉંચાભાવે વેચીને કમાણી કરે છે. ભારતની આ ખરીદીથી રશિયાને યુદ્ધભંડોળ મળે છે. અમેરિકાએ વધારાના 25 ટકા ટેરિફ ઝીંકવા છતાં ભારતે પોતાની નીતિમાં બાંધછોડ કરવાનો સાફ ઈન્કાર કર્યો હતો