New Delhi,તા.8
ઓપરેશન સિંદૂરમાં ભાજપ નેતૃત્વને એનડીએએ સંસદમાં અને સંસદ બહાર જબરો દેખાવ કરીને વિપક્ષનો ખેલ ઉંધો વાળ્યા બાદ હવે સાવધ થઈ ગયેલા કોંગ્રેસ નેતૃત્વના ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં ફરી જીવ આવ્યો છે અને ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ યોજેલા ડીનરમાં આશ્ચર્યજનક રીતે 24 પક્ષના 50થી વધુ નેતાઓ પહોંચ્યા હતા અને સૌથી મોટી વાત એ હતી કે અત્યાર સુધી કોંગ્રેસ પર પણ પ્રહાર કરી રહેલા મમતા બેનર્જીના પક્ષના સાંસદો પણ હાજર રહ્યા હતા.
બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે જે રીતે રાહુલ ગાંધીએ મતદાર યાદીનો મુદ્દો ઉઠાવ્યો છે તેને હવે ‘ઈન્ડિયા’ ગઠબંધન મુખ્ય હથીયાર બનાવવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં પણ ચૂંટણીપંચને જવાબ આપવાનું મુશ્કેલ બની રહ્યું છે.
રાહુલ ગાંધીએ ગઈકાલે મહારાષ્ટ્રમાં જે રીતે મતદારયાદીમાં શંકાસ્પદ ફેરફાર થયાનો આક્ષેપ મુકયો અને પોતે પૂરાવા પણ મુકયા હોવાનો દાવો કર્યો પછી આ લડાઈ વધુ મજબૂત બની છે. વિપક્ષી ગઠબંધન માટે હજુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ પડકાર છે અને બિહારની ચૂંટણી એ તેમના માટે સૌથી મહત્વની બની શકે છે તે સમયે હવે ગઈકાલની બેઠકથી ભાજપ માટે પણ એક ચિંતા હોઈ શકે છે.
રાહુલ ગાંધીએ ખુદે આ બેઠક માટે નાના મોટા તમામ પક્ષોને આમંત્રણ આપ્યા હતા અને હાલની સ્થિતિમાં અનેક વિપક્ષોએ પણ હવે સરકાર સામેની લડાઈમાં એકતા જ મહત્વની બની જશે તે મહેસુસ કર્યુ છે અને એક વખત ‘ઈન્ડિયા’ ગઠબંધનનો ભંગ કરી દેવાની સલાહ આપનાર નેશનલ કોન્ફરન્સ અને આમ આદમી પાર્ટી સિવાયના પક્ષો એક થઈ રહ્યા હોવાના સંકેત છે અને આ બેઠકમાં સંયુકત રીતે હવે બિહાર મતદાર યાદીનો મુદો ઉઠાવવા નિર્ણય લેવાયો છે.
સૌથી મહત્વની બાબત એ છે કે રાહુલ ગાંધીએ સમગ્ર બેઠકનું નેતૃત્વ કર્યુ તેથી ફરી એક વખત ‘ઈન્ડિયા’ ગઠબંધને રાહુલ ગાંધીના નેતૃત્વનો સ્વીકાર કર્યો છે તેવા સંકેત મળે છે. આ બેઠકમાં સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના, ડીએમકે, નેશનાલીસ્ટ કોંગ્રેસ (શરદ પવાર) અને ડાબેરી પક્ષો પણ હાજર હતા અને આગામી દિવસોમાં સંસદમાં પણ તેનો પડઘો પડે તેવા સંકેત છે.