New Delhi તા.8
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) માં રમતા જોવા મળ્યા હતા. હવે ધવને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.
જેમાં તેણે તેના પુત્ર વિશે ભાવનાત્મક નોંધ લખી છે. ધવનના થોડા સમય પહેલા તેની પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા થયા હતા, ત્યારબાદ તેનો પુત્ર જોરાવર પણ તેનાથી દૂર થઈ ગયો હતો. આ પોસ્ટ ધવને જે તેના પુત્રથી દૂર રહેવાનું દુ:ખ અને જૂની યાદો દર્શાવે છે.
શિખર ધવને સોશિયલ મીડિયા પર પોતાના દીકરા વિશે એક લાંબી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, ‘જ્યારે મેં WCLમાં મિત્રોને તેમના બાળકો સાથે રમતા જોયા, ત્યારે મારા મનમાં એક જ વિચાર આવ્યો, કાશ ઝોરાવર અહીં હોત…તે એક અલગ પ્રકારની ખુશી હોત.
પછી મને તેના બાળપણના કેટલાક ફોટા મળ્યા અને અચાનક તે બધી યાદો તાજી થઈ ગઈ. કેટલીક ક્ષણો ખરેખર હૃદયની સૌથી નજીક હોય છે.’ ધવને શેર કરેલા એક ફોટામાં તે રોહિત શર્મા, રોહિતની પુત્રી સમાયરા અને નાના ઝોરાવર સાથે જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધવન અને તેની પત્નીના ઓક્ટોબર 2023 માં છૂટાછેડા થયા. આ પછી, ધવનને તેના પુત્રની કાયમી કસ્ટડી મળી નહીં. તેને ફક્ત તેના પુત્રને મળવાનો અને તેની સાથે વીડિયો કોલ પર વાત કરવાનો અધિકાર મળ્યો.
ધવને જણાવ્યું કે, તેની પત્નીએ તેની સાથે વર્ચ્યુઅલ વાતચીતના બધા રસ્તા બંધ કરી દીધા છે. તેમ છતાં, તે દર થોડા દિવસે તેના પુત્રને સંદેશા મોકલતો રહે છે.